રાષ્ટ્રીય

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ

દુબઈ એર શો 2025 દરમિયાન ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ તેજસ દુર્ઘટનાગ્રસ્ત જતાં પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ શહીદ થયા હતા. આજે(રવિવાર) તેમના પાર્થિવ દેહને તેમના વતન હિમાચલ પ્રદેશના કાંગડા લવાયો હતો. આ દરમિયાન તેમનો પરિવાર હાજર રહ્યો. તેમના પત્ની વિંગ કમાન્ડર અફશાં પણ વર્દીમાં જોવા મળ્યા. નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના પત્નીએ અંતિમ સેલ્યુટ આપ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.  નોંધનીય છે કે નમાંશ સ્યાલના પત્ની પણ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર છે. તેમની 7 વર્ષની પુત્રી પણ છે જેને અંદાજ પણ નથી કે તે હવે ક્યારેય તેના પિતાના ખોળામાં નહીં રમી શકે. શહીદ નમાંશના પિતા ગગન કુમાર શિક્ષક છે. નમાંશની શહીદી બાદ તેમના વતનમાં શોકની લહેર પ્રસરી છે. નમાંશ સ્યાલના ગામ પટિયાલકરના રહેવાસી સંદીપ કુમારે કહ્યું, ‘અમે નમાંશ-પટિયાલકર ગામના છીએ. અમારા ગામમાં દરેક વ્યક્તિ દુઃખી છે. તે અમારા નાના ભાઈ જેવા હતા. આવું ન થવું જોઈતું હતું. અમારી પાસે કોઈ શબ્દો નથી. અમે તેમને 3-4 મહિના પહેલા મળ્યા હતા જ્યારે તેઓ અમારા ગામની મુલાકાતે આવ્યા હતા.’ અન્ય એક રહેવાસી પંકજ ચઢ્ઢાએ કહ્યું, ‘હું પણ નમાંશની સાથે જ શાળામાં ભણ્યો હતો. સૈનિક સ્કૂલ સુજાનપુર ટીરા. આપણે એક રત્ન ગુમાવ્યો છે. તે અમારી શાળાનો ગૌરવ હતો. અમે તેમના વતન ગામ પટિયાલકર જઈશું. તેમણે અમને સૌને ખૂબ ગૌરવ અપાવ્યું હતું.’ 34 વર્ષીય પાયલટ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયાલકર ગામના વતની હતા. વિંગ કમાન્ડર સ્યાલ હૈદરાબાદ એરબેઝ પર પોસ્ટેડ હતા. તેઓ તેમના શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા. સ્યાલના પરિવારમાં તેમની પત્ની પણ છે, જે ભારતીય વાયુસેનાના અધિકારી પણ છે. તેમની પત્ની ઉપરાંત, સ્યાલના પરિવારમાં તેમની 7 વર્ષની પુત્રી અને માતાપિતાનો સમાવેશ થાય છે. 

Related Posts