રાષ્ટ્રીય

આસિયાન સમિટમાં PM મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે? સત્તાવાર જાહેરાત નહીં પરંતુ હલચલ તેજ

ભારત અને અમેરિકા વચ્ચેના રાજકીય સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મલેશિયામાં આગામી આસિયાન સમિટ (26મી ઓક્ટોબરથી શરૂ)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની સંભવિત હાજરીને કારણે અટકળો વધી ગઈ છે કે શું આ પ્રસંગે બંને નેતાઓ સામસામે મુલાકાત કરશે કે કેમ. જો કે, આ મુલાકાત અંગે હાલમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. 

મલેશિયાના નેતૃત્વએ ટ્રમ્પની મુલાકાતની પુષ્ટિ કરી છે, પરંતુ વ્હાઇટ હાઉસ તરફથી હજી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ભારત સરકારે વડાપ્રધાન મોદીની હાજરી અંગે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. આસિયાન સમિટ હાલમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત માટે એકમાત્ર સંભવિત તક માનવામાં આવી રહી છે.બંને દેશો વચ્ચેના સંબંધોમાં યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ સૌથી મોટો અવરોધ છે. આ મુદ્દે સતત વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે, ‘વાટાઘાટો ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે, પરંતુ તેમણે કોઈ સમયમર્યાદા સ્પષ્ટ કરી ન હતી. જ્યાં સુધી આપણા હિતોનું રક્ષણ ન થાય ત્યાં સુધી કોઈ કરાર નહીં થાય.’તાજેતરમાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ દાવાઓ ભારત સરકારની સતર્કતાનું બીજું કારણ છે. તેણે 20થી વધુ વખત દાવો કર્યો છે કે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો, જોકે ભારતે સ્પષ્ટપણે નકાર્યું છે કે આમાં ટ્રમ્પની કોઈ ભૂમિકા નહોતી.ગયા અઠવાડિયે ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને ફોન પર જાણ કરી હતી કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ભારતના વિદેશ મંત્રાલયે તરત જ આ દાવાને ખોટો ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ફોન પર આવી કોઈ વાતચીત થઈ નથી. ટ્રમ્પે બાદમાં ધમકી આપી હતી કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે તો તે ટેરિફ લાદશે.

નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના આ પ્રકારના વારંવારના નિવેદનો અમેરિકા-ભારત સંબંધોમાં અનિશ્ચિતતા પેદા કરે છે, જે એકંદરે રાજદ્વારી સંબંધો પર નકારાત્મક અસર કરે છે.

Related Posts