અમરેલી

અમરેલી ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે “મહિલા સંમેલન–૨૦૨૬” યોજાયું

“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન – ૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ મહિલા સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા સંમેલન દરમિયાન વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ, વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના ચેક વિતરણ, દીકરી વધામણા કીટ, હાઈજીન કીટ, અનાથ દીકરીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા નેતૃત્વ સબળ બને તે માટે મહિલા આરક્ષણ અમલી છે. મહિલા સંમેલન કાર્યક્રમમાં જિલ્લાની સમરસ મહિલા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઈએ મહિલા સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે, મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. મહિલાઓ સશક્ત બનીને દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. પ્રમુખશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ લીડરશીપ સાથે આગળ ધપી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, સખી મંડળો થકી મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની રહી છે. 

મહિલા સન્માનમાં આયોજિત મહિલા સંમેલન-૨૦૨૬ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, અમરેલી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ કણઝરીયા,આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ, દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts