અમરેલી

અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ૬૭ રસ્તાઓના કામ મંજૂર, માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના રસ્તાઓના રીસર્ફેસિંગ તથા આનુસંગિક કામગીરી કરાશે

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૬૭ જેટલા રસ્તાઓના રીસર્ફેસિંગ તથા તેને આનુસંગિક કામગીરીની મંજૂરી આપી દેવામાં આવી છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ ૬૭ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૨૬૮ કિમીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.

આ સંદર્ભેની વિગત આપતા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી સ્મિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દૂરસ્તીકરણની કામગીરીની સાથે રીસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, આ સાથે જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ૬૭ જેટલા રસ્તાઓના કામ મંજૂર કરી દેવામાં આવ્યા છે, તેના એસ્ટીમેન્ટ લેવલની કામગીરી પૂર્ણ કરીને, ટૂંકમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ ૬૭ રસ્તાઓના કામને આવરી લઈ કુલ ૨૬૮ કિમીના રસ્તાનું અંદાજે  રૂ.૧૫,૯૬૫ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આમ, ગ્રામીણ વિસ્તારમાં પરિવહન સરળ બનશે, જેથી જનસુખાકારીમાં પણ વધારો થશે.

Related Posts