અમરેલી

વિશ્વ વન દિવસ વિશેષ: “જંગલ એ માત્ર વિસ્તાર નથી, મારું અસ્તિત્વ છે” — વન્યજીવ પ્રેમી હર્ષવર્ધન રાઠોડ

​નજર કેમેરામાં રાખીને ગીરનો શ્વાસ જોઉં છું,

હું પથ્થર કે નદીમાં પણ ઈશનો વાસ જોઉં છું.

ભલે દુનિયા ગણે વનને રણ,માત્ર રસ્તો પણ,

હું એના મોક્ષમાં મારું જ નવસર્જન જોઉં છું.

–“પાંધી સર” 

આજે જ્યારે સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વન્યજીવોના અવાજને દુનિયા સુધી પહોંચાડતા જાણીતા ફોટોગ્રાફર અને લેખક હર્ષવર્ધન રાઠોડ માટે આ દિવસ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી, પણ તેમના જીવનનો પર્યાય બની રહ્યો છે. ગીરની ધરતી પર જેનું બાળપણ વીત્યું છે તેવા હર્ષવર્ધન માને છે કે તેમનું વ્યક્તિત્વ આ અબોલ જીવો અને પ્રકૃતિને આભારી છે.

​ઋતુઓના રંગોમાં કુદરતનું દર્શન

હર્ષવર્ધન રાઠોડના મતે જંગલની દરેક ઋતુ એક નવો જીવનપાઠ શીખવે છે. શિયાળાની ધુમ્મસભરી સવારમાં ગીરના સોનેરી તડકામાં સિંહની ગર્જના સાંભળવી એ તેમના માટે એક ગહન ધ્યાન (Meditation) સમાન છે. તો બીજી તરફ, ઉનાળાના આકરા તાપમાં પાણીના ટીપા માટે સંઘર્ષ કરતા વન્યજીવો તેમને ‘ધીરજ’ અને ‘જીવવાની જીદ’ શીખવે છે. ચોમાસાની પ્રથમ હેલીમાં જ્યારે માટીની સુગંધ પ્રસરે છે, ત્યારે તેમને પોતાના મૂળનો અહેસાસ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, જંગલ એ માત્ર પર્યટન સ્થળ નથી, પણ ‘સહ-અસ્તિત્વ’ શીખવતી શ્રેષ્ઠ પાઠશાળા છે. માલધારીઓની સાદગી અને વનરાજનો રૂઆબ તેમના લખાણ અને તસવીરોમાં જીવંત રીતે કંડારાય છે. હર્ષવર્ધને મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે, “જ્યાં સુધી શરીરમાં અંતિમ શ્વાસ છે, ત્યાં સુધી મારી કલમ અને કેમેરો વન્યજીવોના રક્ષણ માટે લડતા રહેશે.”

વિશેષ ઉલ્લેખનીય છે કે, હર્ષવર્ધન રાઠોડ એ જાણીતા પત્રકાર બિપીનભાઈ પાંધી (પાંધીસર), યોગેશભાઈ પરમાર પિયુષભાઈ દવેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શૈક્ષણિક કાળ દરમિયાન અત્યંત સાલસ અને અંતર્મુખ જણાતા હર્ષવર્ધન આજે કેમેરાના બેતાજ બાદશાહ બની ઉભર્યા છે. તેમની આ કલા તેમને ફિલ્મી દુનિયામાં પણ વિશેષ ઓળખ અપાવી રહી છે. એક ગુરુ માટે પોતાના વિદ્યાર્થીની આ સફળતા ગૌરવ સમાન છે.

Related Posts