અમરેલી

કાણકિયા કોલેજ ખાતે “વિશ્વ માતૃભાષા દિવસ”ની.ઉજવણી થઈ

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ , સાવરકુંડલા ખાતે આજરોજ તા. ૨૧મી ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સમુહધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ નરસિંહ મહેતાનું ખૂબ જ પ્રચલિત ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ નું ગાયન ટી. વાય. બી.એ.ના વિદ્યાર્થી પરમાર અજય દ્વારા હાર્મોનિયમ વગાડીને કરવામાં આવ્યું. કાર્યક્રમની ભૂમિકામાં કાર્યક્રમના સંચાલક ટી.વાય. બી.એ.ના વિદ્યાર્થી લુણી નિરવ દ્વારા કવિઓના કેટલાક શેર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. એસ.વાય. બી. એ. માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાતરીયા વિભાએ  માતૃભાષાના મહત્વ વિશે ખૂબ જ સરસ રીતે પોતાના વિચારો રજુ કર્યા હતા. એસ.વાય.બી.એના વિદ્યાર્થી નિમાવત જતીન, તેમણે ગુજરાતી ભાષા અને બોલી તેમજ તેની શરૂઆત સંદર્ભે ખુબ સરસ શૈલીમાં રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. એસ.સી. રવિયાસાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને સર્વે વિદ્યાર્થીઓને “વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 ત્યારબાદ અંગ્રેજી વિભાગના પ્રો ડો.અર્જુનસિંહ પરમાર સાહેબે માતૃભાષા વિશે યુનેસ્કોએ જાહેરાત કરી અને ક્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે તેની સુંદર રીતે માહિતી આપી હતી. ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રો. ડો. આશિષ ચૌહાણ, તેમણે ગુજરાતી ભાષાનું સાહિત્ય આપણા સમાજને , સંસ્કૃતિ-સંસ્કાર અને સંવેદના આપે છે એ વિશે વાત કરી અને કવિ મનોજ ખંડેરીયાની ગઝલનું પઠન કર્યું હતું. અંગ્રેજી વિભાગમાંથી ડો. હાર્દિકભાઈ ઉદેશીએ પોતાની અભિવ્યક્તિ એક પ્રસંગ દ્વારા કરી હતી.

અંતે વાઈસ પ્રિન્સિપાલ તથા ગુજરાતી વિભાગના અધ્યક્ષ રીન્કુબેન ચૌધરીએ ગુજરાતી ભાષાનું મહત્વ રસાળ શૈલીમાં રજુ કર્યું અને કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. 

સર્વે વિદ્યાર્થીઓએ માતૃભાષાના ગૌરવને વધારી ઉત્સાહથી અને ઉમંગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.પુષ્પાબેન રાણીપા કોમર્સ વિભાગમાંથી ડો.કલ્પેશ રાડીયા અને ડો. હરેશ દેસરાણી તેમજ સંસ્કૃત વિષયના વીઝીટીંગ ફેકલ્ટી સ્વાતિબેન અને મનોવિજ્ઞાન વિષયના વીઝીટીંગ ફેકલ્ટી મલય વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા . સર્વે સ્ટાફગણ તેમજ અન્ય ઓફિસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામા આવી.

Related Posts