અમરેલી જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓ-બહેનો અને જેલ સ્ટાફની યોગની તાલીમનો પ્રારંભ થયો છે, ગાંધી જયંતી એટલે કે તા.૨જી ઓક્ટોબરથી શરૂ થયેલી આ તાલીમ ૩૧મી ઓક્ટોબર સુધી ચાલશે.
ગત વર્ષે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક અને વહીવટના સંયુક્ત ઉપક્રમે રાજ્યની તમામ જેલના બંદીવાન ભાઈઓ તથા બહેનો અને જેલ સ્ટાફને યોગની તાલીમ આપવામાં આવી હતી. જેનો ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેની ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નોંધ લઈ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ કાર્યને ચાલુ રાખતા આ વર્ષે પણ યોગ તાલીમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનાં માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ તા.૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલ સર્ટીફાઈડ યોગ ટ્રેનર્સ મારફતે તમામ જેલોમાં યોગની તાલીમ આપવા આવશે. જે અન્વયે ગુજરાતની તમામ જેલોમાં યોગના કાર્યક્રમો થશે. જેથી જેલના બંદીવાન ભાઈઓ અને બહેનો અને જેલના સ્ટાફની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુદ્રઢ બને અને કેદી જેલમાંથી બહાર આવી સારા નાગરિક તરીકે જીવન જીવે તેવો હેતુ પણ રહેલો છે.
ઉલ્લેખનીય છે કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા માટેના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો.

















Recent Comments