અમરેલી

નવા વિચારો સાથે ક્લાયમેટ ક્રાઇસીસ ઉકેલવાનો યુવા સંકલ્પક્લાયમેટ કેટાલિસ્ટ સમિટ 2.0

તારીખ 12 ઓગસ્ટ ના રોજ “યુવા દિન” નિમિતે પર્યાવરણ મિત્રની યુવા બ્રિગેડ “ગ્રીન કેટાલિસ્ટ” દ્વારા આજના યુગની ચિંતાજનક સમસ્યા ક્લાયમેન્ટ ચેઈન્જ અંગે વિચારપ્રેરક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ક્લાયમેટ કેટાલિસ્ટ સમિટ” નામક આ સત્રમાં અમદાવાદ – ગાંધીનગરની 20 કોલેજની 115 વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. જેમાં ઇજનેરી, વિનિયન, શિક્ષણ, કાયદો, વિજ્ઞાન, સમાજકાર્ય જેવી અલગ-અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ કલાયમેટ ચેન્જ અંગેના ચાર વિષયો પર 22 ટીમના યુવાનોએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. 

શહેરી વિસ્તારોમાં સમાવેશી વિકાસ –  હરિયાળા શહેરો અને તળાવોનું સંરક્ષણ, કચરાનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, બાંધકામ અને વાહનવ્યવહાર ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન, વંચિત વર્ગ માટે ક્લાયમેટ જસ્ટિસ જેવા વિષયો પરના ચાર સત્રમાં વિધાર્થીઓ દ્વારા આ વિષય અંગેની સ્થિતિ, નીતિઓ, કાયદાકીય જોગવાઇઓ, સમુદાયની સભાનતા અને આ સમસ્યાને પહોંચી વળવા માટેના શક્ય ઉપાયો અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ક્લાયમેટ કેટાલિસ્ટ સમિટ 2.0 કાર્યક્રમના પ્રારંભિક સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યસચિવ શ્રી ડી. એમ. ઠાકરે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશો આપતા યુવાઓને પર્યાવરણ રક્ષણના વ્યક્તિગત પ્રયાસો આગળ વધારવાની હાકલ કરી હતી. વિકાસના માર્ગ પર આગળ વધતાં પર્યાવરણની રક્ષાનો ખ્યાલ ધ્યાને લેવો પડશે તે વાત પર ભાર મૂકતા તેમણે વિદ્યાર્થીઓને આ વિષય પર સક્રિય કામગીરી કરવાની અપીલ કરી હતી. આ સત્રમાં વિધાર્થીઓને સંદેશો આપતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લૉ, નિરમા યુનિવર્સિટીના નિયામક પ્રોફેસર માધુરીબેન પરીખે યુવાઓને નાના પ્રયાસો મોટું પરિવર્તન લાવી શકે છે તેના ઉદાહરણો આપીને આ માર્ગ અપનાવવાની અગત્યતા જણાવી હતી.

આ કાર્યક્રમમાં ચાર વિષયવસ્તુવાળા સત્રમાં જ્યુરી મેમ્બર સમક્ષ વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતો કરી હતી. વિધાર્થીઓની રજૂઆતો પર વિષય નિષ્ણાંત દ્વારા પોતાના અભિપ્રાયો આપવામાં આવેલ હતા.  ક્લાયમેટ કેટાલિસ્ટ સમિટ 2.૦ ના ચાર સત્રમાં વિદ્યાર્થીઓની રજૂઆતના આધારે તેમને ઇનામો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

 એક દાયકા અગાઉ પેરિસ ખાતે યોજાયેલ કલાયમેટ કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓએ એ વાત સ્વીકારી હતી કે પર્યાવરણને બચાવવાના પ્રયાસો કરવા માટેની આપણે આ છેલ્લી પેઢી છીએ, જેના હાથમાં પર્યાવરણનુ જતન રહેલું છે. જો આ સમય હાથમાંથી નીકળી ગયો તો આપણા હાથમાં કશું રહેશે નહીં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીને જોતા એવો અનુભવ થાય કે પર્યાવરણનું સંરક્ષણ પડકારજનક ચોક્કસ છે પરંતુ કલાયમેટ ચેન્જની સમસ્યા સામે લડવું અશક્ય નથી. 

કાર્યક્રમના અંતે જાણીતા ડિજિટલ જર્નાલિસ્ટ સુશ્રી દેવાંશી જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે યુવાનોને જણાવ્યું હતું કે સૌએ પર્યાવરણમાં દેખાતા ફેરફારો અંગે અવાજ ઉઠાવવો પડશે નહિ તો આપણી અવાજ ઉઠાવવાની આવડત નહિ વાપરવાને કારણે લુપ્ત થઇ જશે.

સમગ્ર કાર્યક્રમમાં વિધાર્થીઓએ પોતાની રજૂઆતોમાં ક્લાયમેન્ટ ચેઇન્જનો સામનો કરવા માટે લોકજાગૃતિ અને વ્યક્તિગત પ્રયાસો પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તમામ રજૂઆતોને સંકલનરૂપે “કોલ ટુ એક્શન :યુવાઓનો અવાજ” નામથી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

Related Posts