વડોદરામાં અનૈતિક સબંધને લઇને પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા નજીક આવેલા રતનપુર ગામમાં પતિ-પત્ની અને વોનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ સંતાનની માતાને પ્રેમ થયો હતો. જે બાદ પતિનો પત્નીના પ્રેમીએ જીવ લઇ લીધો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક રતનપુર ગામમાં ‘પતિ-પત્ની અને વો’નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીએ પ્રેમિકા માટે પતિની હત્યા કરી હતી. કુદરતી હાજતે ગયેલા પતિને પત્નીના પ્રેમીએ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પ્રેમી ભાગી ગયો હતો.
વડોદરા જિલ્લાના રતનપુર ગામમાં ત્રણ સંતાનની માતાને ગામમાં જ રહેતા ભુપત રાઠોડિયા નામના યુવક સાથે પ્રેમ થયો હતો. આ મામલે પતિને શંકા થયા બાદ ઘરમાં કકળાટ વધી ગયો હતો. દારૂડિયો પતિ રમેશ રાઠોડિયાના રોજના કકળાટથી કંટાળી પત્ની પિયરમાં રહેવા જતી રહી હતી. આ મામલે પત્નીએ તેના પ્રેમીને ફરિયાદ કરતા પ્રેમીએ બદલો લેવાનું નક્કી કર્યુ હતું અને ૩ માર્ચે પ્રેમિકાના પતિને માર માર્યો હતો. જાેકે, થોડા સમય બાદ પતિ કુદરતી હાજરે ગયો ત્યારબાદ તેની લાશ મળી આવી હતી.
આ મામલે મૃતકના મોટા દીકરાએ ફરિયાદ નોંધાવી હતી, તેણે જણાવ્યુ કે, હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરૂ છું, બપોરે જમવા આવ્યો ત્યારે પિતા કુદરતી હાજતે ગયા હોવાનું જાણવા મળ્યુ હતું પરંતુ મોડે સુધી ઘરે ના આવતા તપાસ કરતા ઘરની પાછળ ખેતરમાં લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે ફરિયાદીએ માતાના પ્રેમી પર શંકા વ્યક્ત કરી હતી અને તે વારંવાર પિતાને મારવાની ધમકી આપતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


















Recent Comments