ગુજરાત

રાજકોટનાં મુંદ્રાથી આવતા ટેન્કરોમાંથી પામોલિન, દિવેલ અને સોયાબીન તેલ ચોરી કરેલું મળી આવ્યું

મુંદ્રા ખાતેથી આવતા ટેન્કરોમાંથી પામોલિન, દિવેલ અને સોયાબીન તેલ કાઢી લેવાનું મસમોટું કૌભાંડ સીઆઈડી ક્રાઈમ બ્રાંચના સીઆઈ સેલે ધ્રાંગધ્રા-માલવણ હાઈ-વે પરથી પકડી પાડી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. વાહનો, તેલ વગેરે મળી કુલ રૃા.૧.પ૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. સીઆઈડી ક્રાઈમ બ્રાંચના સીઆઈ સેલને એવી બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા-માલવણ હાઈ-વે પર પીપળી ગામના પાટિયા પાસે આવેલ રામદેવ હોટલની પાછળના ભાગે પતરાના શેડમાં અને તેની આજુબાજુની ખુલ્લી પાર્કિંગવાળી જગ્યામાં રાજકોટનો મનિષ પટેલ અને તેના ભાગીદારો મુંદ્રા ખાતેથી ટેન્કરોમાં આવતા પામોલિન, દિવેલ અને સોયાબીન તેલની ચોરી કરે છે.

ટેન્કરોના ડ્રાઈવરો અને કલીનરો સાથે મળી આ કારસ્તાન ચલાવે છે. જેથી સ્થળ પર દરોડો પાડતાં પાંચ શખ્સો ઝડપાઈ ગયા હતા. જેમાં અજમલ બાજુજી કોલી મહેબુબ બાબુભાઈ સુમરા નરપત રાજાજી ઠાકોર પ્રવિણ બાજુજી કોલી અને ગજરાજસિંગ બીરમસિંગ રાવત નો સમાવેશ થાય છે. જયારે રાજકોટનો મનિષ પટેલ, યુવરાજસિંહ જાડેજા, સુરેશ રામગોપાલ રઝાક વિશાલ નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા અને બે ટેન્કરના ડ્રાઈવર ભાગી જતાં આ તમામને ફરિયાદમાં વોન્ટેડ દર્શાવાયા છે. સ્થળ પરથી છોટા હાથી, ટેન્કરો, તેલના બેરલ, ખાલી બેરલ, પાઈપ, પ્લાસ્ટીકના નાળચા, મોબાઈલ ફોન, વજન કાંટો વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે. સીઆઈડી ક્રાઈમ બ્રાંચના સીઆઈ સેલને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ટેન્કર ડ્રાઈવરો અને કલીનરોનો સંપર્ક કરી, તેમને લાલચ આપી, લોકેશન મોકલાવી સ્થળ પર બોલાવી ટેન્કરોમાંથી તેલ કાઢી તેને કેરબા અને બેરલમાં ભરી લેતાં હતા. આરોપીઓએ આ માટે વોટસએપ ગુ્રપ પણ બનાવ્યું હતું.

Related Posts