મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને મળી ધમકી
ભરૂચના ટંકારીયાની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર શહેરના તરસાલી વિસ્તારના એન્જિનિયર યુવકને તેના પરિવારના સભ્યોને મારી નાંખવાની ટેલિફોન ઉપર ધમકીઓ આપીને લગ્ન નોંઘણી માટે સરકારી ઓફીસમાં આપેલી અરજી યુવક પાસે રદ કરાવી દીધી છે. મુસ્લિમ યુવતીના પિતા તથા સાગરીત તરફથી અપાયેલી ધમકીના પગલે ફફડી ઉઠેલાં હિન્દુ યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસનો દોર ભરૂચ ટંકારીયા સુધી લંબાવ્યો છે. શહેરના તરસાલી હાઈવે પર દ્વારકેશ હાઈવ્યૂમાં રહેતા ધ્રવેશ પંચાલ સાંકરદાની ખાનગી કંપનીમાં ડિઝાઈનર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગત ૨૦૧૬માં ધ્રવેશની દાદી સરલાબેનના આંખોના મોતીયાનું ઓપરેશન કરવાનું હતું જેથી તેમને કરજણ ખાતે વલણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ધ્રુવેશ દાદીની સેવા કરવા હોસ્પિટલમાં રોકાયો હતો. હોસ્પિટલમાં નોકરી કરતી ભરૂચ ટંકારીયાની નર્સ આસ્મા સાથે આંખો મળી હતી અને પ્રેમ પાંગર્યો હતો. આ દરમિયાનમાં આસ્મા હોસ્પિટલમાંથી નોકરી છોડીને દુબઈ ગઈ હતી અને ત્યાં આસી. ટીચર તરીકે નોકરી કરતી હતી. ગત ઓક્ટોબર માસમાં તે લગ્ન કરવા માટે સ્પેશિયલ વડોદરા આવી હતી અને બન્ને જણાંએ રજિસ્ટર મેરેજ કર્યા હતા. જેની નોંધણી કરવા માટે કુબેર ભવન ખાતેની સરકારી કચેરીમાં લગ્ન નોંધણી અંગેની અરજી કરી હતી. ભરૂચ ટંકારીયા ખાતે રહેતાં આસ્માના પિતાને જાણ થતાં તેમણે ધ્રુવેશના મોબાઈલ ઉપર અનેક વખત ફોન કર્યા હતા અને ૨૪ કલાકમાં લગ્ન નોંધણી અંગેની અરજીનો પ્રોસીજર રદ નહીં કરે તો તને અને મારા પરીવારના સભ્યોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
ફોન ઉપર મળેલી ધમકીઓથી ભયભીત થયેલા ધ્રુવેશ પંચાલે તા.૧૬મી ઓક્ટોબરે સરકારી કચેરીમાં જઈને પ્રોસીજર રદ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન દુબઈમાં આસ્મા સાથે ફોન ઉપર વાત થતાં તે ભરૂચ ખાતે દોડી આવી હતી. તેના ઘરમાંથી બહાર નીકળવા ઉપર પણ નિયંત્રણો લાદ્યા હતા. હવે આસ્મા સાથે સંબંધ રાખ્યા છે તો તને અને આસ્માને પણ જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપતાં ધ્રવેશે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. પોલીસે આરોપી તરીકે ઈકબાલ કોઢીયા (રહે, ટંકારીયા ભરૂચ) અને આબીદ પટેલ (રહે, વલણ, કરજણ) સામે આઈ.પી.સી ૫૦૭ અને ૧૧૪ હેઠળ એફ.આઈ.આર નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Recent Comments