અમરેલી

અમરેલી ખાતે ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને વહીવટી તંત્ર સજ્જ, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું પ્રથમ સફળ રિહર્સલ યોજાયું

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલીની પવિત્ર ધરા પર આયોજિત ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રાજ્ય મહોત્સવને ક્ષતિરહિત અને ભવ્ય બનાવવા માટે સત્તાવાર તૈયારીઓનો ધમધમાટ શરૂ છે.

આ આયોજનના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્ય પરેડ ગ્રાઉન્ડ સહિતના નિયત સ્થળો પર સમગ્ર કાર્યક્રમનું પ્રથમ રિહર્સલ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આ મુખ્ય ઉત્સવની ગરિમા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લાઈન ટુ લાઈન મોનિટરિંગ કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રથમ સત્તાવાર રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી હતી.

આ ઉચ્ચ અધિકારીશ્રીઓની ટીમે મુખ્ય ધ્વજવંદન સ્થળ, સાંસ્કૃતિક મહોત્સવનું મેદાન તેમજ મહાનુભાવોના પ્રોટોકોલ રૂટ સહિતના દરેક કાર્યક્રમ સ્થળ પર રૂબરૂ જઈને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને મલ્ટીમીડિયા સેટઅપની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તમામ અધિકારીશ્રીઓને સુચારું વ્યવસ્થા ગોઠવવા સબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિશાનિર્દેશો આપ્યા હતા.

આજના આ આયોજનનું મુખ્ય આકર્ષણ ૧૫મી ઓગસ્ટના સત્તાવાર પ્રોટોકોલ મુજબનું ‘રીયલ ટાઇમ શેડ્યુલ’ રહ્યું હતું. જેમાં સવારના મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમની પોલીસ પરેડ અને મહિલા રાયફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, ડોગ-શો, ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ સહિતના કાર્યક્રમોથી લઈને સાંજના સમયના ભવ્ય રંગારંગ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા પ્રતિષ્ઠિત ‘એટ હોમ’ મહોત્સવનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સમયબદ્ધ આયોજનથી કાર્યક્રમ દરમિયાન સમયનું સચોટ વ્યવસ્થાપન જળવાઈ રહે અને પ્રોટોકોલનો ભંગ ન થાય તે બાબત વહીવટી તંત્ર દ્વારા ખાસ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

મુખ્ય કાર્યક્રમ પૂર્વે યોજાનારી પ્રિ-ઇવેન્ટ્સ જેવી કે ૧૩ ઓગસ્ટના રોજ સવારે યોજાનાર ભવ્ય ‘તિરંગા યાત્રા’ અને રાત્રે યોજાનાર ‘રંગ કસુંબલ લોકડાયરા’ ની સજ્જતા માટે તૈયારીઓ આખરી તબક્કામાં છે.

આ ક્રાંતિવીરોના વિચારોને સમર્પિત રાષ્ટ્રીય ઉત્સવમાં પ્રત્યેક નાગરિક ગૌરવ અનુભવે તે માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન કામગીરી પણ સમાંતર શરૂ છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે આ ઐતિહાસિક ઉજવણીને સફળ બનાવવા સજ્જ છે, અને જિલ્લાના નાગરિકોને પણ આ દેશભક્તિના પાવન અવસરમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Posts