fbpx
અમરેલી

લીલીયા તાલુકાના ૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંતાળીયા ખાતે લીલીયા તાલુકાના ૮ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્‍તે કરાયો હતો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના એ ખરા અર્થમાં ખેડૂતો માટે વિજક્રાન્તિ લાવનાર ઐતિહાસિક યોજના છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ૮ ગામોને આ યોજનાનો આજથી લાભ મળશે. આ યોજનાના અમલથી ખેડૂતોને દિવસે વીજળી મળવાથી અનેક ફાયદાઓ થશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના હોય કે પછી ગામડાઓના રોડ-રસ્તા, આરોગ્ય કે શિક્ષણની વ્યવસ્થા. રાજ્ય સરકારે હરહંમેશ ખેડૂતો અને ગામડાઓના હિતમાં નિર્ણયો લીધા છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં વધુમાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સાહસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજ સુધી ખેડૂતોએ આખી રાત ઉજાગરા કરીને પાણી વાળવા જવું પડતું પરંતુ આ યોજનાના અમલથી દિવસે વીજળી મળશે અને દિવસ દરમિયાન ખેતીનું કામ કરી શકાશે. આ ઉપરાંત અમરેલીના કેટલાય ગામોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ ખતરો છે તો એવા ખતરાથી પણ ખેડૂત સલામત રહી શકશે.

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ઉપસ્થિત ખેડૂતમિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર ખેડુતોની રજૂઆતો સાંભળી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ મેળવવા પ્રયત્નો કરે છે. સાંસદશ્રીએ કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને શુભેછાઓ પાઠવી હતી.

આ ક્રાયક્રમમાં પૂર્વ મંત્રી શ્રી વી. વી. વઘાસીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, અગ્રણી શ્રી કમલેશભાઈ કાનાણી તથા અધિક્ષક ઈજનેર શ્રી પી. સી. કાલરીયા સહિતના જેટકોના અને પીજીવીસીએલના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસરીને ખેડુતભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts