અમરેલી

સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

જગત આખાના વ્યવહારો ખિલે છે નારી શક્તિથી,

ઘરોમાં સ્નેહના દીવા બળે છે નારી શક્તિથી.

​સમર્પણ, સેવા ને હિંમત તણું જે નામ છે નારી,

ગગન આંબવાના સપના ફળે છે નારી શક્તિથી.

–“પાંધી સર”

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા ખાતે ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

​કાર્યક્રમમાં વરિષ્ઠ મહિલા અધિકારીઓ અને ડૉક્ટરોએ સમાજ તથા આરોગ્ય ક્ષેત્રમાં સ્ત્રીઓના યોગદાન વિશે મનનીય વક્તવ્યો આપ્યા હતા. ખાસ કરીને ઘર અને કાર્યસ્થળ એમ બંને જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવતી મહિલાઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉ. કોમલ કટારીયાએ નારી સશક્તિકરણ અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફારો વિશે ખૂબ જ ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

​મહિલા સ્ટાફ સભ્યોએ પોતાના સંઘર્ષ અને સફળતાના અનુભવો વહેંચ્યા હતા, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા. કાર્યક્રમના અંતે તમામ મહિલા કર્મચારીઓના માનમાં કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો. દર્શનાબેન શિયાળએ જહેમત ઉઠાવી હતી.

Related Posts