સિવિલમાં કોરોનાનો કહેરઃ કોરોનાથી વધુ ૧૨નાં મોત થતા ચકચાર

શનિવાર સાંજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી વધુ ૧૨ દર્દીના મૃત્યુ નીપજ્યા છે અને આ સાથે એક જ સપ્તાહમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૧૪૫ થયો છે. શનિવારે બપોરે પણ સિવિલના કોવિડ ડેડબોડી વિભાગ પાસેથી સવારથી જ મોટી સંખ્યામાં મૃતકોના સગાં-સંબંધી નજરે પડયા હતા. સિવિલમાં ડેડબોડી લેવા માટે કતારો લાગી રહી છે. જાેકે સંવેદના ગુમાવી ચૂકેલી ગુજરાત સરકાર જાણે ‘લોકો ભલે મરતાં હોય તો મરે’ની નીતિ અપનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
સિવિલમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા વધુ હોવાને કારણે શબવાહિની ખૂટી પડે છે અને મૃતકોના સગાંઓને એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ જવા પડે છે. સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે વેઈટિંગ હોવાથી દર્દીના સગાંઓને રાહ જાેવી પડે છે. સિવિલમાં કોરોનાને કારણે ટપોટપ મોતનો સિલસિલો યથાવત જાેવા મળે છે અને તેને રોકવા માટે નક્કર પગલાં લેવામાં સિવિલના સત્તાવાળાઓ સરિયામ નિષ્ફળનીવડયા હોય એવું માનવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં ગંભીર પ્રકારના કેસ સિવિલમાં ટ્રાન્સફર કરી દેવાય છે, સિવિલમાં સ્ટાફ ઓછો હોવાના કારણો આગળ ધરીને સિવિલના સત્તાવાળાઓ ‘પાંગળો બચાવ’ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના એક મહિલા દર્દીને કોરોનાનો રીપોર્ટ નેગેટિવ દર્શાવીને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા પછી ૧૨ દિવસ બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. સિવિલ સત્તાવાળાઓની ઘોર બેદરકારીને કારણે ૭૩ વર્ષના લતાબેન બ્રહ્મભટ્ટે જીવ ગુમાવવો પડયો હોવાનો લતાબેનના સગાંઓએ આક્ષેપ કર્યો છે.
દર્દીના સગાંઓના કહેવા મુજબ, તા. ૨૫ નવેમ્બરે ૭૩ વર્ષના લતાબેન બ્રહ્મભટ્ટને શેલ્બી હોસ્પિટલમાં કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારપછા તેમને સારવાર માટે કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાયેલી ૧,૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દાખલ કરાયા પછી ફક્ત ૨૪ કલાકમાં આ મહિલાનો કોરોનાનો ટેસ્ટ કરીને તેમનો રીપોર્ટ ‘નેગેટિવ’ દર્શાવીને તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા.
Recent Comments