fbpx
ગુજરાત

અમદાવાદના સિંધુ ભવન પર વાહન ચેકિંગ દરમિયાન પાંચ શખસોએ પોલીસકર્મી પર કાર ચડાવી, એક ઝડપાયો અન્ય ફરાર

અમદાવાદ શહેરના અતિપોસ ગણાતા વિસ્તારમાં આજે સવારે બે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને રોકાવતા કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેથી તેમનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારીઓને માર માર્યો હતો. જે બાદ પોલીસે એક આરોપીને દબોસી લીધો હતો, જ્યારે બાકીના ચાર શખસો ફરાર થઇ ગયા હતા. પોલીસે ફરાર ચાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી કામે લગાડી છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સવારે સિંધભવન રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક વરના કાર ત્યાંથી પચાર થઈ રહી હતી.

જેની સ્પીડ વધારે લાગતા પોલીસે આ કારને રોકાવી હતી. ત્યારે કારમાં પાંચેક જેટલા શખસો બેઠા હતા. કાર રોકાવતા તે શખસો પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા અને થોડી જ વારમાં કારના ચાલકે તેની કાર પોલીસ કર્મચારીઓ પર ચડાવી દીધી હતી. જે બાદ ત્યાંથી કાર હંકારી ભાગી છુટ્યા હતા. જેથી પોલીસને શંકા જતા તેની પીછો કર્યો હતો. આગળ જતાં કાર રાજપથ ક્લબ તરફ વળી હતી. થોડી જ વારમાં પોલીસે તેનો પીછો કરી અને કારને ઝડપી પાડી હતી. કારમાંથી એક પછી એક શખશો ઉતરતા ગયા અને ભાગી ગયા હતા. જ્યારે એક શખસ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

૨૩થી ૨૪ વર્ષના આ યુવાનોએ પોલીસને માર મારી અને તેના પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેમને પકડવા માટે પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પી. આઇ. અભિષેક ધવને જણાવ્યું હતું કે, અમે અમારા પોલીસ કર્મચારી પર થયેલા હુમલા અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વાહન ચેકિંગ દરમિયાન થયેલો ઝઘડો હુમલા સુધી પહોંચ્યો અને તેમાં આરોપીઓ ભાગી ગયા છે. આરોપીઓને પકડવા માટે અમે અલગ અલગ ટીમ બનાવી છે. આ બનાવને ગંભીરતાથી લઈને ટૂંક જ સમયમાં આરોપીને પકડવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts