અમરેલીના સાવરકુંડલા-રાજુલા હાઈવે પર આવેલા જાબાળ ગામમાં ઘૂસી આવેલા સિંહે કરેલા પશુના શિકારની ઘટના CCTVમાં કેદ થઈ હતી. જાબાળ ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડતા રેઢિયાળ પશુઓમાં નાસભાગ મચી હતી. પશુઓની પાછળ સિંહે દોટ મૂકી એક જ તરાપમાં શિકાર કર્યો હતો. સિંહે કરેલા શિકારની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
સિંહે તરાપ લગાવી પશુનો શિકાર કર્યો
સોશિયલ મીડિયામાં જે CCTVનો વીડિયો વાયરલ થયો છે. તેમાં રાત્રિના સમયે જાબાળ ગામના રસ્તા પર દસથી વધુ રેઢિયાળ પશુઓ વિરામ કરતા નજરે પડી રહ્યા છે. આ સમયે જ એક સિંહ શિકારની શોધમાં ગામમાં પહોંચતા પશુઓમાં દોડધામ મચે છે. સિંહ પણ શિકાર કરવા માટે પશુઓની પાછળ દોડ લગાવે છે. એક પશુ નજીક આવતા જ સિંહ તરાપ લગાવી શિકાર કરવામાં સફળ રહે છે. સિંહે કરેલા શિકારની આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.
ગીર જંગલ નજીકનાં ગામડાઓમાં સિંહના આંટાફેરા
ગીર જંગલ નજીક આવેલા અમરેલી જિલ્લાના ગામડાઓમાં રાત્રિના સમયે સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. રાજુલા, ખાંભા, જાફરાબાદ અને ધારી ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં એક અથવા એકથી વધુ સિંહ અવારનવાર ચડી આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા વધતા ગામલોકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગામલોકો ઈચ્છી રહ્યા છે કે વનવિભાગ પેટ્રોલીંગ વધારી સિંહને ગ્રામ્ય વિસ્તારથી દૂર રાખે.



















Recent Comments