ભાવનગર

રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે ભાવનગરના ચિલ્ડ્રન હોમ, શાળાઓ-આંગણવાડીની મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આજે ભાવનગર જિલ્લામાં
ફુલસર સ્થિત ચિલ્ડ્રન હોમ, બોર તળાવ નજીક આવેલ પીએમશ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા, વિવિધ આંગણવાડીઓ
તેમજ શૈશવ અને તાપીબાઈ જેવી સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન અધ્યક્ષશ્રીએ બાળકોને મળતી શિક્ષણ, પોષણ તથા રહેઠાણ સંબંધિત સુવિધાઓનું
તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી
સૂચનાઓ આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્રોમાં તેમણે બાળકોને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરી હતી તેમજ બાળકો સંબંધિત
ગુનાઓ, પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ તથા બાળ મજૂરી નિવારણ બાબતે અમલીકરણ અધિકારીઓ સાથે
વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
આયોગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તમામ વિભાગોએ સંકલિત રીતે શ્રેષ્ઠ
કામગીરી કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, સેવાભાવી સંસ્થાઓને બાળકોને સમાજની
મુખ્યધારામાં જોડવા વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
અધ્યક્ષશ્રીએ શાળા અને આંગણવાડીના બાળકો સાથે સંવેદનાસભર સંવાદ સાધી તેમને આપવામાં આવતી
સેવાઓ અંગે સીધી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યશ્રી કમલેશભાઈ રાઠોડ, સુશ્રી અમૃતાબેન
અખિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રમેશભાઈ ઝાંખણીયા તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts