અમરેલીના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ની સ્થિતિ અંગે બેઠક યોજાઇ
સંપૂર્ણ રાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે ત્યારે અમરેલીમાં હાલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રીશ્રી અને અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને આગામી આયોજનો અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર જોડાયા હતા.
આ બેઠકમાં અમરેલી જિલ્લામાં હાલમાં દર્દીઓની સંખ્યા, વોર્ડ, બેડ,ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ વગેરે સારવારલક્ષી વ્યવસ્થાઓ અંગે કલેકટરશ્રી આયુષ ઓકએ સંપૂર્ણ ચિતાર આપ્યો હતો. સાથે જ આગામી દિવસોમાં સરકારશ્રીના સહયોગ સાથે વધુ નવા બેડ અને અન્ય વ્યવસ્થાઓના આયોજન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં સંક્રમણના વધારા સાથે આ બીજા વેવમાં યુવા દર્દીઓ અને બાળ દર્દીઓનો પણ વધારો જોવા મળ્યો છે તેમ જણાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ કહ્યું હતું કે, સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપી સ્તરે ફેલાઈ રહ્યું છે. સાથે જ અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે હાલ અમરેલી સિવાય નજીકના ગામોમાંથી દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર માટે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હોસ્પિટલ ખાતે વધુ બેડ, દવાઓ, ઓક્સિજન, નર્સ, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવશ્યકતા રહેશે.
આ તકે પ્રભારીમંત્રીશ્રી અને સાંસદશ્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવશે તેમ, રાજ્યના કોઇપણ જિલ્લાના દર્દીને સારવારમાં કોઇ પણ ઉણપ નહીં રહે તેમ જણાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના મંત્રને ધ્યાને લઇ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવી અમરેલી જિલ્લા સ્તરે વધુમાં વધુ લોકો રસી મેળવે તે માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ અમરેલી ખાતે સિવિલ હોસ્પિટલ સાથે જ અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. રાધિકા હોસ્પિટલમાં પણ કોવિડની સારવાર ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સંક્રમિત લોકો માટે પણ સ્પેશિયલ વોર્ડનું નિર્માણ કરી દરેક સ્તરે સંક્રમિત દર્દીઓને ગુણવત્તાલક્ષી સારવાર મળી રહે તે માટે કામગીરી અને નવી વ્યવસ્થાઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમરેલી ખાતે પૂરતા બેડની વ્યવસ્થાઓ છે જેને આગામી દિવસોમાં વધારવામાં આવશે. આ માટે આવશ્યક તમામ પ્રક્રિયા માટે મંત્રીશ્રી અને સાંસદશ્રીએ તત્કાલ કામગીરી હાથ ધરી હતી.
આ તકે અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, આરોગ્ય વિભાગના અધિકારી શ્રી એ. કે. સિંઘ, જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી. એ. ગોહિલ તથા આરોગ્ય તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments