અમરેલી તા. ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ (ગુરૂવાર) અમરેલી જિલ્લામાં દીવાળીના તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરોથી રક્ષવા માટે ફટકાડના ઉત્પાદન, વેચાણ તેમજ ફટકડા ફોડવા અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડેલી છે. જેના અંતર્ગત ફટાકડા વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે અને અગવડ ન થાય તેમજ જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર થતી ઘાતક અસરો જોતા અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર બી. વાળા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૧૪૪ અન્વયે પ્રતિબંધાત્મક આદેશો સાથેનું જાહેરનામું બહાર પાડીને અમરેલી જિલ્લાની હદમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે જણાવ્યું છે. આ જાહેરનામું તા.૨૩/૧૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે.
• દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફોડી શકાશે.
• સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછું ઉત્સર્જન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
• ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રીમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. સિરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) (Series Cracker of Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
• હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી / વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESO ની સૂચના પ્રમાણેનું” માર્કિંગ હોવું જરૂરી છે.
• હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક, સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
• કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.
• ઈ – કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહિ, ઓનલાઇન વેચાણ કરી શકશે નહિ.
• લોકોને અગવડ ઊભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી./ બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ તથા અન્ય જ્વલનશીલ પદાર્થોને સંગ્રહ કરવા ગોદામો તથા હવાઈમથક નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
• કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/ આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકશે નહિ તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકશે નહિ.
જય 000
Recent Comments