અમરેલી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ને લઇ ભાજપ-કોંગ્રેસ ની તડામાર તૈયારી
અમરેલી જિલ્લામાં વિધાનસભાના છેલ્લા વર્ષે ભાજપ-કોંગ્રેસ બંનેએ હવે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. રાજકીય પાર્ટીઓએ પોતપોતાના વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવા માટે કવાયત તેજ કરી છે. નોંધનીય છે કે ભાજપ બાદ હવે કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા કોંગ્રેસ પક્ષની સભ્ય નોંધણી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં આવેલી બાબરા-લાઠી વિધાન સભા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના મત વિસ્તારમાં બાબરા તાલુકા કોંગ્રેસની બેઠક મળી હતી, જેમાં તાલુકા કોંગ્રેસના પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે બેઠકમાં તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસના સભ્યો નોંધણી ઉપર વધુ ભાર મૂકી રહ્યા છે. આ ઉપરાંત કેવી રીતે સભ્ય નોંધણી કરવી તેને લઈ માર્ગદર્શન આપી રહ્યા છે. જ્યારે બેઠકમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને એકજૂટ થઈને ભાજપ સામે લડાઈ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યકરોમાં જોમ-જુસ્સો પૂરવા તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.
પ્રથમ અમરેલી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. તેઓ તાલુકા મથક પર કારોબારી બેઠકો યોજી સંગઠન મજબૂત બનાવી રહ્યા છે અને કાર્યકર્તાઓ સાથે સતત બેઠક કરી રહ્યા છે. ઉપરાંત કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ હવે મેદાનમાં આવી છે
બેઠકમાં સરકાર ઉપર પ્રહારો કરાયા
આ બેઠક દરમિયાન ડીઝલ-પેટ્રોલના વધેલા ભાવ, ખેડૂતોને પૂરતા ભાવ ન મળવા, ખાતર સહિત વિવિધ મુદ્દે મોંઘવારી જેવા મુદ્દા ઉપર રાજ્ય સરકારને ઘેરવા પ્રયાસ કરી આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. એક રીતે જોતાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હોય તેવો માહોલ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં 4 બેઠક કોંગ્રેસ પાસે છે
અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, સાવરકુંડલા, રાજુલા આ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અત્યારથી કામે લાગ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ હવે આવતી વિધાનસભા ચૂંટણીમાં કઈ બેઠક કોણ જાળવી રાખશે કે કોણ ગુમાવી દેશે એને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.
Recent Comments