અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતના સૂચન કર્યા હતા.
૧૮ વર્ષથી ઓછી વયના અને ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા હોય તેવા તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ વાહન ચલાવવાને લગતા નિયમ અનુસરે, આ નિયમ મુજબ તેઓ શાળા એ પહોંચવા વાહનનો ઉપયોગ ટાળે તે માટે તે વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતાને વિગતવાર માર્ગદર્શન આપવા જિલ્લામાં વિશેષ જાગૃત્તિ કાર્યક્રમ યોજવા જિલ્લા કલેકટરશ્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા.
જિલ્લા શિક્ષણ તેમજ વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જાગૃત્ત કરવા વિશેષ કાર્યક્રમ આયોજન માટે જણાવ્યુ.
ગીઅરલેસ વાહન ચલાવવા માટે નિયત વયમર્યાદા ધરાવતા હોય તેવા તમામ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ હેલમેટ સાથે વાહન ચલાવે તે સુનિશ્ચિત થાય તે જોવા કલેકટર શ્રીએ જણાવ્યુ.
જિલ્લાની તમામ નગરપાલિકાઓના હદમાં આવતી શાળા પહેલાં સ્પીડ બ્રેકર તેમજ આવશ્યક સાઇનબોર્ડ લગાડવાની કામગીરી કરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓને જણાવ્યુ.
જિલ્લા કલેકટરશ્રીએ મોટર વ્હીકલ એક્ટ મુજબ જે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ હોય ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ સવિશેષ કાયદેસરની કામગીરી કરવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ લિમિટેડની બસના નિયમિત મેઇનટેન્સ થાય તે માટેની વ્યવસ્થાનું નિરંતર નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ લિમિટેડના અમરેલી વિભાગીય નિયામક કચેરીને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગોહિલ, માર્ગ અને મકાનના વિભાગ રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી, ઇમરજન્સી સેવા ૧૦૮, નગરપાલિકા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન એ.આર.ટી.ઓ ઇન્સ્પેકટર શ્રી મિત શાહે કર્યુ હતુ.
Recent Comments