fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૭ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ વાર્તાલાપ યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દહિયાએ જિલ્લા ચૂંટણીતંત્રની તૈયારીઓ, મતદાતાઓ માટે મતદાન મથક પર સુવિધા, હિટ વેવ પૂર્વેની તૈયારીઓ સહિતની વિસ્તૃત વિગતો જણાવી હતી. ચૂંટણીકાર્ડ ઉપરાંત પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઈસન્સ, સરકારના વિવિધ એકમો-કચેરીઓમાં કાર્ય કરતા હોય તેમને આપવાામાં આવેલા ઓળખ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક, પાન કાર્ડ, એનપીઆર આરજીઆઇ સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આરોગ્ય વિમા સ્માર્ટ કાર્ડ, ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજો, એમપી, એમએલએ,એમએલસીને આપવામાં આવેલા ઓફિશ્યિલ ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા યુનિક –  દિવ્યાંગ ઓળખ કાર્ડ સહિતના  ૧૨ વૈકલ્પિક પુરાવાઓ મતદાન માટે માન્ય રહેશે.

      મતદાન મથકો પર મતદાર સહાય કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.  મતદાન મથક પર મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા ચૂંટણી ફરજ લક્ષી વિગતો માટે મોબાઇલ વપરાશની અનુમતિ રહેશે. મતદાનના દિવસે દરેક મતદાન કરી શકે તે માટે ઔદ્યોગિક એકમો સહિતમાં કામ કરતા,નોકરી કરતા કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે. સવેતન રજા આપવામાં ન આવે તો મતદાર ટોલ ફ્રી નં. ૧૯૫૦ પર ફરિયાદ કરી શકે છે.  દરેક મતદાન મથક ખાતે મતદાર સહાય બુથ, રેમ્પ, પીવાનું સ્વચ્છ પાણી, પર્યાપ્ત ફર્નિચર, વીજળી, શૌચાલય, ગ્રાઉન્ડ ફ્લોર પર મતદાન મથક સહિતની સુવિધાઓ સહિતની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે વ્હીલચેર, લાવવા-લઇ જવા માટેની સુવિધા, દિવ્યાંગ, વરિષ્ઠ અને સગર્ભાઓને મતદાન માટે પ્રાથમિકતા મળી રહે તે માટે જુદી-જુદી લાઇનની સુવિધા રહેશે. ૮૦ ઉપરની વયના મતદારો અને ૪૦ ટકા કરતા વધુની દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મતદારોએ લાવવા-લઇ જવા માટેની સુવિધા મેળવવા માટે અગાઉ સુવિધા એપ પર અરજી કરી હોય  તેમને લાવવા-લઇ જવા માટેની સુવિધા (ફ્રી ટ્રાન્સપોર્ટેશન) સુવિધા ઉપલબ્ધ થશે.

      જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દહિયાએ ઉમેર્યુ કે, હિટવેવ બાબતે સૂચના અનુસાર દર્શાવવામાં આવેલી બાબતોની તૈયારીઓ કરવામાં આવી છે. ૧૯૪ ઝોનલ ઓફિસર અને ૧૯૪ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, ૪,૦૫૦ પોલીંગ સ્ટાફ, ૩,૫૬૦ ફિમેલ પોલીંગ સ્ટાફ, ૧,૮૪૧ બી.એલ.ઓ, અંદાજે ૧,૧૦૦ ડિસ્પેચીંગ રિસિવીંગ સ્ટાફની નિમણુક કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે તેમને EDC (ELECTION DUTY CERTIFICATE) ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

      જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડ્યાએ જણાવ્યુ કે, સમગ્ર જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જિલ્લા અને તાલુકા કક્ષાએ “Run For Vote”  અને કબડ્ડી સહિતના કાર્યક્રમો-સ્પર્ધાઓના માધ્યમથી મતદાન જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. મતદાન જાગૃત્તિ અર્થે આશરે ૧,૫૦,૦૦૦ સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ચુનાવ પાઠશાળા, ખેડુત પાઠશાળા, સામૂહિક મહેંદી સ્પર્ધા, મહિલાઓ માટેની ખાસ ગ્રામ સભા, વોકાથોન, હ્યુમન ચેઇન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિવિધ મતદાન જાગૃત્તિ કાર્યક્રમો થકી જિલ્લાના નાગરિકો સુધી મતદાન જાગૃત્તિ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.

     પ્રેસ વાર્તાલાપ દરમિયાન જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘે જણાવ્યુ કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સતત જાળવી રાખવા માટે ૧૪ લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે. ૨૧ લોકોને જિલ્લાની હદ બહાર તડીપાર કરવામાં આવ્યા છે. દેશી દારુની ગુનાહિત પ્રવૃત્તિ પર સંપૂર્ણ અંકુશ માટે ૭૩૩ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. હથિયારના પરવાના ધરાવતા હોય તેમના પાસેથી હથિયાર જમા લેવામાં આવ્યા છે.

      જિલ્લા પોલીસ અને એ.ટી.એસ સંયુક્ત ઓપરેશન અંતર્ગત રુ.૧૩ કરોડનો મેફોડ્રેન ડ્રગ્સ સીઝ કરવામાં આવ્યો છે. નાસતા-ફરતા ૨૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે સુરક્ષા દળ અને પોલીસ જવાનોની પર્યાપ્ત માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલા લેવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં શાબ્દિક સ્વાગત અમરેલી જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી ધર્મેશભાઇ વાળાએ કર્યુ હતુ. અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.પી. સકસેના અને જિલ્લાના માધ્યમકર્મીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts