અમેરિકામાં એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ
અમેરિકામાં કેલિફોર્નિયાના એક વ્યક્તિ પર ભારતીય મહિલાઓ વિરુદ્ધ હેટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ કેલિફોર્નિયાની આસપાસ એક ડઝનથી વધુ મહિલાઓ પર હુમલો કર્યો હતો. એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, સાન્ટા ક્લેરા કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જૂનથી શરૂ થયેલી બે મહિનાની ગુનાખોરી દરમિયાન ભારતીય મૂળની ઓછામાં ઓછી ૧૪ વૃદ્ધ હિન્દુ મહિલાઓને નિશાન બનાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ પરંપરાગત પોશાક અને ઝવેરાત પહેરેલી ભારતીય મહિલાઓને નિશાન બનાવી હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ તેણે તેમના કાંડા ખેંચીને તેમના ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સીબીએસના અહેવાલ મુજબ, એક ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિએ તેની લૂંટ દરમિયાન મહિલાના પતિને પણ માર માર્યો હતો. ફરિયાદીઓએ પુષ્ટિ કરી હતી કે લૂંટની ઘટનાઓ મોટે ભાગે સાઉથ બેની આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી. જેમાં મિલપિટાસ, સાન જાેસ, સાન્ટા ક્લેરા અને સનીવેલનો સમાવેશ થાય છે.
આરોપીઓએ જ્યારે તેમના પર હુમલો કર્યો ત્યારે લગભગ તમામ પીડિતોએ સાડી, બિંદી અથવા અન્ય પ્રકારના પરંપરાગત ભારતીય પોશાક પહેર્યા હતા. જે પીડિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમની ઉંમર ૫૦-૭૩ વર્ષની વચ્ચે હતી અને ફરિયાદીઓએ અંદાજ લગાવ્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિએ ઓછામાં ઓછા ૩૫,૦૦૦ ડોલરની કિંમતના ગળાના હારની ચોરી કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સાન્ટા ક્લેરાની પોલીસે યુએસ માર્શલ્સ સાથે મળીને શંકાસ્પદની ધરપકડ કરી હતી, જેની ઓળખ પૂર્વ પાલો અલ્ટોના ૩૭ વર્ષીય લાથન જ્હોનસન તરીકે થઈ હતી. ડિસ્ટ્રિક્ટ એટર્ની જેફ રોસેને એક નિવેદનમાં આ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, “હું અમારા દક્ષિણ એશિયન સમુદાયને કહું છું કે જે કોઈ પણ તમને નિશાન બનાવે છે અને હુમલો કરે છે તેની ધરપકડ કરવામાં આવશે અને અમારા કાયદા હેઠળ તેમની સાથે અત્યંત ગંભીરતાથી વર્તન કરવામાં આવશે.”
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, આ હુમલાઓને શરૂઆતમાં “એન્ટી-સાઉથ એશિયન” તરીકે રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને ડિસ્ટ્રિક્ટ એટર્ની દ્વારા તેને “હિન્દુ-વિરોધી નફરતના ગુનાઓ” તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એક ટીવી ચેનલ સાથે વાત કરતા ડીએ રોસેને કહ્યું, “તેમના ઘરેણાં ઝૂંટવી લીધા હતા અને તેને એક શેરીમાં ખેંચીને લઇ ગયા બાદ તેમના પતિને માર માર્યો હતો અને તેમને હેરાન કર્યા હતા. તે મિલકત ચોર કરતા પણ વધુ ખરાબ ઘટના હતી.” ધ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ ઘટનાઓની નિંદા કરી હતી અને એક સભ્યએ જણાવ્યું હતું કે, “અમે નફરતના ગુનાઓ અને ઓનલાઇન હિન્દુ-ફોબિયાનો સામનો કરી રહ્યા છીએ. અમે આ કેસોમાં શક્ય તમામ કાર્યવાહી કરવામાં આગળ વધી રહ્યા છીએ. જેને જાેતા લોકોમાં એક મજબૂત સંદેશ જાય છે.”
Recent Comments