fbpx
રાષ્ટ્રીય

ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટનો ચુકાદો, ગેંગસ્ટર અતીક અહમદને આજીવન કેદની સજા

૧૭ વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે ચુકાદો આપ્યો. અતીક અહમદ પહેલીવાર દોષિત ઠર્યો છે. દોષિત અતીક કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો. કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત ૩ આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ મામલે કુલ ૧૧ આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. આ અગાઉ સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

અતીક અહમદ પર ઉમેશ પાલની હત્યાનો પણ આરોપ છે. આજીવન કેદની સજા.. તે જાણો.. કોર્ટે અતીક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. ૩ આરોપી દોષિત જાહેર, ૭ છૂટી ગયા.. તે જાણો.. ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ સહિત કુલ ૧૧ આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજે કોર્ટમાં ૧૦ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩ને દોષિત ઠેરવવામાં આવ્યા. જ્યારે કોર્ટે ૭ને છોડી મૂક્યા. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ અહમદ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને અઝાઝ અખ્તરને છોડી મૂક્યા છે. જ્યારે એક આરોપી અંસાર અહમદનું મોત નિપજ્યું છે.

જાણો કેસની તમામ વિગતો……વર્ષ ૨૦૦૫ની વાત છે. જ્યારે બસપા વિધાયક રાજુ પાલની જાહેરમાં ગોળીઓથી વીંધીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાજુપાલ, તેમની પત્ની પૂજા પાલ અને ઉમેશ પાલ બસપામાં હતા. ત્યારે અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ સમાજવાદી પાર્ટીમાં હતા. વર્ષ ૨૦૦૪માં અતીક અહમદ યુપીની ફૂલપુર લોકસભા બેઠકથી સમાજવાદીની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યો હતો. તે પહેલા તે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી એમએલએ ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ તેના સાંસદ બનતા જ સીટ ખાલી થઈ અને થોડા દિવસો બાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ સીટ પર સપાએ સાંસદ અતીક અહમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો.

જ્યારે ચૂંટણીમાં બસપાથી રાજુ પાલને ટિકિટ મળી હતી. ચૂંટણી થઈ તો રાજુ પાલે અતીક અહમદના ભાઈ અશરફને હરાવી દીધો અને વિધાયક બની ગયા. અતીક અને તેનો પરિવાર હાર પચાવી શક્યા નહીં અને ૨૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ રાજુ પાલની હત્યા કરી નાખવામાં આવી. ઉમેશ પાલનું અપહરણ.. તે જાણો.. રાજુ પાલની હત્યાના કેસમાં અતીક અહમદ, તેનો ભાઈ અશરફ સહિત ૫ આરાપીઓ નામજદ હતા. જ્યારે પોલીસે ચાર અજાણ્યાને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજુ પાલનો સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬માં અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદ પર પોલીસે ૫ જુલાઈ ૨૦૦૭ના રોજ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારપીટ અને મારી નાખવાની ધમકી આપી. ઉમેશના જણાવ્યાં મુજબ જ્યારે તેણે અતીક અહમદના દબાણમાં સાક્ષી તરીકે પાછા હટવાની ના પાડી દીધી તો ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ બંદૂકની અણીએ તેનું અપહરણ કરાયું. આ કેસમાં ૧૧ આરોપીઓ બનાવવામાં આવ્યા હતા. કેસમાં કોણ કોણ આરોપી.. તે જાણો.. આ કેસમાં અતીક અહમદ ઉપરાંત અશરફ, દિનેશ પાસી, અંસાર અહમદ ઉર્ફે અંસાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને એઝાઝ અખ્તર આરોપીઓ હતા.

એક આરોપી અંસાર અહમદનું મોત થઈ ચૂક્યું છે. અતીક અહમદ, અશરફ અને ફરહાન જેલમાં છે અને બાકીના જામીન પર છે. ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા?.. તે જાણો.. પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે રાજૂ પાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ ત્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગલીની બહાર કારમાંથી નીકળતી વખતે તેમના પર શુટરોએ ફાયરિંગ કર્યું હતું.

આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેમના બે ગનર્સના મોત થયા હતા. ઉમેશ પાલની પત્નીએ આ મામલે અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત ૯ લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે અસદ સહિત ૫ શુટર્સની શોધમાં છે. પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે આ કેસમાં ૧૮ માર્ચના રોજ સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ ૨૩ માર્ચના રોજ અતીકને હાજર કરવા માટે આદેશ બહાર પાડ્યો હતો.

Follow Me:

Related Posts