સૌરાષ્ટ - કચ્છ

એક્સપોર્ટ થતાં કચ્છના દાડમના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી

કચ્છમાં બાગાયતી ખેતી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે દાડમ, ખારેક, કેરી જેવા બાગાયત ફળોની સિઝનમાં માંગ રહેતી હોય છે. હાલ કચ્છના ખેડૂતો અનેક મુશ્કેલી વચ્ચે દાડમની ખેતી કરી રહ્યા છે, ત્યારે કચ્છના ખેડૂતના દાડમની સારી ગુણવત્તા હોવાથી કચ્છના દાડમ વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે, અનેક રાજ્યોમાંથી વેપારી અહીં દાડમ ખરીદવા માટે આવી રહ્યા છે. કચ્છમાં મોટા પ્રમાણમાં દાડમનું ઉત્પાદન થાય છે પરંતુ હાલ પૂરતા ભાવ ન મળતા વર્ષોથી દાડમની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. સ્થાનિક બજારમાં ભાવ નથી મળતા જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા દાડમ નિકાસ કરતા ખેડૂતોના પૈસા ડૂબી રહ્યા છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 2.94 લાખ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થાય છે. જિલ્લાના વિવિધ તાલુકાના 18,500 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાંથી સૌથી વધારે વાવેતર નખત્રાણા તાલુકામાં 5000 હેક્ટરમાં, માંડવી તાલુકામાં 4686 હેક્ટરમાં, ભુજ તાલુકામાં 4500 હેકટર અને અંજાર તાલુકામાં 3400 હેક્ટરમાં જ્યારે બાકીના તાલુકામાં છૂટાછવાયા 914 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું હતું. એક સમયે કચ્છમાં બાગાયતી પાકોમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન થતું, પરંતુ છેલ્લા થોડાક વર્ષોમાં ભાવ ન મળતા અનેક તાલુકામાં ખેડૂતોએ દાડમના ઝાડ કાઢી અન્ય પાક તરફ વળ્યા છે, તો નખત્રાણા તાલુકામાં પણ અનેક ખેડૂતોએ દાડમના બગીચાઓ સાફ કર્યા છે. હાલની પરિસ્થિએ દાડમની માવજત કરવી ખર્ચાળ બની છે. ત્યારે સ્થાનિકે ભાવ ન મળતા અને ટ્રાન્સપોર્ટ મોંઘું બનતા ખેડૂતો પરેશાન બન્યા છે. છેલ્લાં દસ વર્ષોથી દાડમની ખેતી અને તેના નિકાસ સાથે સંકળાયેલા આલોક સરોલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં શું સ્થિતિ છે તે કંઈ સમજાતું નથી અને છેલ્લાં બે વર્ષના કોરોના કાળમાં અને લોકડાઉનના લીધે દાડમ ફેંકવા પણ પડયા હતા.

Related Posts