અમદાવાદના ઓગણજ નજીક સોલા પોલીસના કર્મચારીઓએ કરેલા તોડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે પોલીસ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી ૬૦ હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. આ અંગે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. સુઓમોટો અરજી દરમિયાન સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાના પુરાવા છે. પોલીસ કર્મચારીઓઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ પુરાવા હોવાનું સરકારે જણાવ્યું છે.
આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, તો એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે. આ ઉપરાંત સરકારે ફરજ પરના પોલીસકર્મીઓ હવેથી યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર નહીં ફરી શકે તો રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરવાનું પણ જણાવ્યું છે. બીજી તરફ કોર્ટે કહ્યું કે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બને એ વ્યાજબી નથી. માત્ર અમદાવાદ પૂરતું નહીં, રાજ્યવ્યાપી માર્ગદર્શિકા જરૂરી છે.
Recent Comments