ગુજરાત

કચ્છમાં બનતી પશુઓના ગળામાં બંધાતી “કોપર બેલ” આજે દેશ-વિદેશમાં ખનકતી થઈ

ત્રણ સદીઓ પહેલા પાકિસ્તાનના સિંધમાં શરૂ થયેલી કોપર બેલ બનાવવાની કળા કચ્છમાં ખીલી છે અને વિકસી પણ છે. કચ્છમાં અનેક પ્રકારની હસ્તકળા જોવા મળે છે જે ભરતકામથી લઈને ચર્મકામ અને મોતીકામને પણ આવરી લે છે. કચ્છની આવી જ એક પ્રાચીન હસ્તકળા છે કોપર બેલની બનાવટ. સમગ્ર ભારતમાં માત્ર કચ્છના નિરોણા ગામમાં આ કોપર બેલ બનાવવામાં આવે છે જેનું કામ અનેક પેઢીઓથી અહીં થતું આવે છે. આજે આ ઘંટડીઓની માત્ર ગાય ભેંસના ગળામાં બાંધવા નહીં પરંતુ ઘર શણગાર તરીકે પણ અનેક દેશોમાં નિકાસ થાય છે. સિંધમાં જન્મેલી આ હસ્તકળા કચ્છમાં આવી અને લુહાર સમાજે આ હસ્તકળાનું કામ કચ્છમાં પણ શરૂ કર્યું. કચ્છમાં પણ માનવ વસતી જેટલી જ પશુઓની વસતી છે ત્યારે દુધાળા પશુઓ પણ મોટી સંખ્યામાં આવેલા છે જેથી આ હસ્તકળાને અનેરો વેગ મળ્યો હતો. આ બેલ મૂળ લોખંડની શીટમાંથી બને છે. બેલના ત્રણ અલગ અલગ પાર્ટને હાથેથી જોડી તેના પર પીત્તળ, તાંબા અને ઝિંકનો પાઉડર લગાડવામાં આવે છે. તૈયાર થયેલી લોખંડની બેલને પાણીમાં નાખતા પીત્તળ, તાંબા અને ઝીંકનો પાઉડર બેલ પર ચોંટી જાય છે. આ બેલ પર માટી અને કપાસને પીસી તેનું લીંપણ ચોંટાડવામાં આવે છે, જે કામ લુહાર પરિવારની મહિલાઓ સંભાળે છે અને ત્યાર બાદ તેને ગરમ ભઠ્ઠીમાં મુકાય છે. બેલના કડ પ્રમાણે તેને ગરમ કર્યા બાદ લીંપણ કાઢી તેને હથોડીથી ટીપી ટીપીને જરૂર મુજબનો અવાજ આપવામાં આવે છે. ઘંટડીઓનું અવાજ તેના વપરાશ મુજબ રાખવામાં આવે છે. ભઠ્ઠીમાંથી નીકળેલી બેલને ટીપી ટીપીને તેનો અવાજ ચોક્કસ લયમાં કરાય છે. સંગીતના વાજિંત્ર, ઘરના ઝુમર કે પશુઓના ગળામાં બાંધવા માટે બેલને અલગ અલગ રીતે ટીપી તેને ચોક્કસ અવાજ આપવામાં આવે છે. આ બેલની નાનામાં નાની સાઈઝની કિંમત રૂ. ૫૦ થી લઈને રૂ. ૩૫૦૦ સુધી પહોંચતી હોય છે. તે ઉપરાંત બેલ પર ગ્રાહકોની પસંદની ડિઝાઇન મુજબ ભાવ વધતા હોય છે. તે ઉપરાંત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે પણ વિશેષ પ્રકારની બેલ બનતી હોય છે જે એક બેલની કિંમત રૂ. ૧૦ હજાર સુધી પહોંચે છે. આજે દેશ વિદેશમાં લોકો આ કળા તરફ આકર્ષાયા છે. છેલ્લા ચાર દાયકાથી આ કોપર બેલનું ભારત બહાર નિકાસ પણ થાય છે અને સમગ્ર ભારતમાંથી માત્ર નિરોણાના લુહાર પરિવારની ઘંટડીઓ જ એક્સપોર્ટ થઈ રહી છે

Related Posts