અમરેલી, તા.૧૦ જૂન, ૨૦૨૫ (મંગળવાર) કોઈ પણ કુદરતી કે કૃત્રિમ આપત્તિની પરિસ્થિતિ સર્જાઇ તો તેવી સ્થિતિમાં નાગરિકોને જરુરી પ્રાથમિક સેવાઓ મળી રહે તે માટે સ્વયંસેવકોની જરુર હોય અમરેલી નાગરિક સંરક્ષણ દળ (સિવિલ ડિફેન્સ) સ્વયંસેવક રજિસ્ટ્રેશન કામગીરી શરુ છે.
આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપી શકે તેવા શારીરિક અને માનસિક સક્ષમ હોય તેવા યુવા નાગરિકો, એન.સી.સી.-એન.એસ.એસ. કર્મચારીશ્રીઓ, આપદા મિત્ર તાલીમ ધરાવતા સ્વયંસેવકશ્રીઓ, પોલીસ મિત્ર, પૂર્વ સેનાના (એક્સ આર્મી મેન) કર્મચારીશ્રીઓ, ખાનગી સુરક્ષા કર્મચારીશ્રીઓ, એન.જી.ઓ. સ્વૈચ્છિક સ્વયંસેવક તેમજ સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક માટેનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેકટરશ્રીની સૂચનાનુસાર અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા આ અન્વયે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સંબંધિત તમામ મામલતદાર કચેરી દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. દરેક તાલુકાની વસ્તીના ધોરણે દર પ્રતિ ૫૦૦ લોકો દીઠ ૧ વોલેન્ટિયર (સ્વયંસેવક) થાય તે રીતે રજિસ્ટ્રેશન www.mybharat.gov.in પર શરુ છે.
સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાવવા ઇચ્છુક હોય તેમની ઉંમર ૧૮ થી વધુ, ઓછામાં ઓછું ધો.૪ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇએ. સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાવવા ઇચ્છુકના નામ, સરનામા, જન્મ તારીખ, સંપર્ક નંબર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની વિગતો નોંધવામાં આવશે.
સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે જોડાવવા માટેનું નિયત ફોર્મ તાલુકા મામલતદાર કચેરી અને તાલુકા અથવા શહેર પોલીસ કચેરી ખાતેથી મળશે. આથી, જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને રજિસ્ટ્રેશન કરાવવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે
Recent Comments