કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ
કાગધામ મજાદર ગામે કવિ શ્રી કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ
કવિ શ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિ પ્રસંગે કાગધામ મજાદર ગામે કવિ શ્રી કાગબાપુ લોકસાહિત્ય સન્માન અર્પણ કાર્યક્રમમાં પ્રેરક શ્રી મોરારિબાપુએ કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
ફાગણ સુદ ચોથ રવિવારના દિવસે પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિ પ્રસંગે લોકસાહિત્યકાર મર્મીઓ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુના હસ્તે સ્વર્ગસ્થ મેઘરાજભા ગઢવી, શ્રી યશવંત લાંભા, શ્રી ભાવનાબેન લાબડિયા, શ્રી સંગીતાબેન લાબડિયા, શ્રી ઈન્દુબેન પટેલ તથા શ્રી મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાન)ને કવિ શ્રી કાગબાપુ લોકસાહિત્ય સન્માન (કાગ એવોર્ડ) અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતા ઉદબોધનમાં કાગબાપુમાં એક નહિ અનેક વિવેક જણાયાનો ભાવ શ્રી મોરારિબાપુએ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિનોદ વિવેક, વિદ્વત વિવેક, વિષય વિવેક, ખાનદાની વિવેક વગેરે વિવેક રહેલા હતા. કવિ મુક્ત હોવો જોઈએ તેમ પણ ઉમેર્યું.
શ્રી કંકુઆઈમાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉપક્રમમાં અગ્રણી વિદ્વાન શ્રી વસંતભાઈ ગઢવીએ કવિ શ્રી કાગની વાણી આજે પણ સાંપ્રત હોવાનું જણાવી કેટલીક રચનાઓ વર્ણવી હતી.
કાર્યક્રમ સંકલન સંચાલનમાં રહેલા જાણિતા સાક્ષર શ્રી બળવંતભાઈ જાનીએ શ્રી મોરારિબાપુ પ્રેરિત આ સન્માન એ સમગ્ર સમાજ માટેનું ગણાવ્યું હતું.
શ્રી અંબાદાન રોહડિયાના સંકલન સાથે કાગ પરિવારના શ્રી બાબુભાઈ કાગ તથા શ્રી જયદેવભાઈ કાગે સૌને આવકાર્યા હતા.
કાગધામ મજાદર ગામે બપોરના સમયે ‘કાગના ફળિયે કાગની વાતું…’ ઉપક્રમમાં શ્રી યશવંત લાંબા તથા શ્રી અનવર મીર દ્વારા કવિ શ્રી દુલા કાગની સાહિત્ય પ્રસાદીનું રસપ્રદ વિવરણ રજૂ કર્યું હતું.
સન્માન અર્પણ વિધિ બાદ અહીં કલાકારોએ પોતાનું લોકસાહિત્ય પીરસ્યું હતું.
Recent Comments