ભાવનગર

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવાની થતી કાર્યવાહી અંગે માર્ગદર્શિકા બહાર પડાઇ

આગામી તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે માટે ચૂંટણી આયોગના આદેશનું પાલન કરી મતદાન પહેલા, મતદાન વખતે, મતદાન પછી મતગણતરી સુધી અને ત્યારબાદના સંજોગો સહિતની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હિંસા નિવારવા, મતદારોમાં ચૂંટણી તંત્રની નિષ્પક્ષતા અંગે વિશ્વાસ જગાડવા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાતંત્રને સાબદુ બનાવી, રોજબરોજના ગુન્હા અંગે પુરતી કડકાઈથી અમલ કરાવવા તેમજ પ્રતિબંધક પગલા તાત્કાલિક લેવડાવવા કાર્યવાહી થવા વિનંતી છે.

જેમાં હથિયાર પરવાના ધારકો પૈકી ચૂંટણીને અનુલક્ષી જે હથિયાર ધારકોના હથિયારો જમાં કરાવવાનું જરૂરી જણાતું હોય તેવા ઈસમોની યાદી તૈયાર કરી હથિયારો જમાં કરાવવા અંગેની કાર્યવાહી કરવી. ચૂંટણી અનુલક્ષીને સભા/સરઘસની પરવાનગી માંગતી અરજીઓ આવે તેનો નિષ્પક્ષ રીતે સમયસર નિકાલ થાય તે માટે સમયસર અભિપ્રાયો આપવા. ચૂંટણી આયોગને મોકલવાના કાયદો અને વ્યવસ્થાના દૈનિક રીપોર્ટ અંગેની માહિતી મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને દરરોજ સવારે ૧૧-૦૦ કલાક સુધીમાં મુદૃામ મળી જાય તે રીતે મોકલી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી. ચૂંટણી આયોગ તરફથી આચારસંહિતાને લગતી સુચના તથા તેનાં અમલ માટે અત્રેથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી. મતદાનના દિવસે મતદાન મથકો ઉપર ગોઠવવા ધારેલ બંદોબસ્ત માટેની સ્કીમ તૈયાર કરી મોકલી આપવા વ્યવસ્થા કરવી.

મતગણતરીના કેન્દ્રો ઉપર ગોઠવવા ધારેલ બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી મોકલી આપવા વ્યવસ્થા કરવી. છેલ્લી ઓછામાં ઓછી બે ચૂંટણીઓ દરમ્યાન પોલીસ મથકમાં ચૂંટણી વિષયક ગુન્હામાં સંડોવાયેલા હોવાની જેમનાં વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી હોય તેવી વ્યક્તિઓની યાદી તૈયાર કરી યાદીની નકલ અત્રેને, સબંધિત પોલીસ સ્ટેશનને તથા આપની પાસે ઉપલબ્ધ રાખવા વ્યવસ્થા કરવી. ભાવનગર જિલ્લાના દરેક પોલીસ મથકમાં અગાઉ ગુન્હેગાર તરીકે નોંધાયેલી હોય તેવી વ્યક્તિઓ (હિસ્ટ્રી શીટર્સ) ફરાર જાહેર કરવામાં આવેલી વ્યક્તિઓ, ભાગેડુ ગુન્હેગારોની અદ્યતન યાદીઓ તૈયાર કરી અત્રે જુદાજુદા પોલીસ સ્ટેશનવાર મોકલી આપવી અને આપની પાસે તથા તમામ પોલીસ સ્ટેશને આવી યાદીની નકલ ઉપલબ્ધ રાખવા વ્યવસ્થા કરવી. ભાવનગર જિલ્લાનાં પોલીસ મથકમાં તમામ બાકી વોંરન્ટ અને સમન્સની બજવણી કરવાની એક ખાસ ઝુંબેશ શરૂ કરી તેનો અમલ કરાવવા માટે જરૂરી સુચના આપી દર અઠવાડીયે અદ્યતન બનાવાયેલી “મતદાર વિભાગ” માટેની માહિતી અત્રે મોકલી આપવા વ્યવસ્થા કરવી.

ભાવનગર જિલ્લામાં પોલીસ મથકમાં અગાઉ ચૂંટણીઓમાં નોંધાયેલા તમામ ચૂંટણી વિષયક ગુન્હાઓની શોધ, તપાસ અને તે અંગે મુકદમો ચલાવવાની પ્રવૃતિને ઝડપી બનાવવાની એક ખાસ ઝુંબેશ શરૂ કરવી અને પેન્ડીગ કેસોમાં તાત્કાલિક તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ કરવા અને કોર્ટ પેન્ડીગ ગુન્હાઓમાં ઝડપી નિકાલ કરાવવા સરકારી વકિલશ્રીનો સંપર્ક સાધી પુરતાં પ્રયત્નો કરવા અને તે અંગેનો “પ્રગતિ અહેવાલ દર અઠવાડીયે” અત્રે મોકલી આપવા વ્યવસ્થા કરવી. જિલ્લામાં આવેલ શસ્ત્રો અને દારૂગોળાની દુકાનોના પરવાનેદારની બાબતમાં ૧૦૦% ચકાસણી હાથ ધરી ખાત્રી કરવી તથા કે તેમની દુકાનોમાં શસ્ત્રોના જથ્થાનું રેકર્ડ છેલ્લામાં છેલ્લી તારીખ સુધીનું રાખવામાં આવ્યું છે તેની ખાત્રી કરવી.

પરવાનેદારનો પુર્વ ઈતિહાસ તપાસી તાજેતરમાં કોઈ અનિયમિતતામાં સંડોવાયેલા હોય તો એ બાબત અને કોઈ રાજકીય જોક ધરાવતા હોય તો એ હકિકત ધ્યાને રાખી સક્રીય ચૂંટણી પ્રચારલક્ષી ઝુંબેશના દિવસો દરમ્યાન આવા વેપારીની ઝીંણવટ ભરી ચકાસણી કરવી. ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળો કાઢવા માટેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા અને તે જપ્ત કર્યા અંગેની અઠવાડીક માહિતી મતદાર વિભાગ પ્રમાણે બે નકલમાં તુર્તજ અત્રે મોકલી આપવા વ્યવસ્થા કરવી. દારૂ બનાવવાના ગેરકાયદેસર કારખાના/ભઠૃીઓ શોધી કાઢવા માટેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવી અને ગેરકાયદેસર દારૂની જપ્તીની માહિતી તુર્તજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને મોકલી આપવી.

Related Posts