કાર્નિવલ ૨૦૨૨નો કરાયો પ્રારંભ, આ પ્રારંભ અંગે મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું
અમદાવાદના કાંકરિયા ખાતે આજથી કાર્નિવલ ૨૦૨૨નો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કાંકરિયા ખાતે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન મંત્રોચ્ચાર સાથે ઋષિકુમારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા હતા. ત્યારે મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ૨૫મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ છે.
વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસની ઉજવણી થાય છે. અમદાવાદના આંગણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ અને પંચમહાલ જિલ્લા આયોજિત પંચમહોત્સવ ૨૦૨૨નો આજે પ્રારંભ થયો છે. ૨૦૦૮થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. કાર્નિવલ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. જગન્નાથ રથયાત્રા અને વર્લ્ડ હેરિટેજ સિટીની જેમ કાંકરિયા વર્લ્ડ ફેમસ મહોત્સવ બન્યો છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું. કાંકરિયા લોકપ્રિય સ્થળ છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. અનેક કાર્યક્રમો યોજાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ભારતના અમૃતકાળમાં યોજાઈ રહેલા આ પહેલાં કાંકરિયા કાર્નિવલની થીમ પણ આઝાદીના અમૃત મહોત્સવની છે. સ્વતંત્રતા સંગ્રામ સાથે જાેડાયેલાં ધણા સ્મરણો અમદાવાદ પાસે છે. ગાંધીજીએ અહીં આશ્રમો સ્થાપ્યાં, દાંડીકૂચનો આરંભ અમદાવાદથી કર્યો, બાપુએ અનેક મહત્વની પ્રવૃત્તિઓ અમદાવાદથી જ સંચાલિત કરી. ઈતિહાસનું અપૂર્વ ગૌરવ અમદાવાદ પાસે છે અને આધુનિકતામાં પણ અમદાવાદ પાછળ નથી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જાેવા મળે છે અને ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જાેવા મળે છે. પરંપરાની જાળવણી સાથે આધુનિકતાને અપનાવવાની શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકસાવેલી પ્રણાલી આ બન્ને મહોત્સવોમાં સાકાર થઈ છે. કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ના શુભારંભની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવાગઢના ચાંપાનેર ખાતે યોજાનારા પંચમહોત્સવ ૨૦૨૨નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજય અને પંચમહાલ જિલ્લાની કલા અને સંસ્કૃતિ દર્શાવતો આ મહોત્સવ ૩૧મી ડિસેમ્બર સુધી પાવાગઢ ચાંપાનેર ખાતે ચાલશે. કાંકરિયા કાર્નિવલનો શુભારંભ થયો ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોની એક ઝલક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ત્યારે કડકડતી ઠંડીની વચ્ચે પણ કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી પડી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાંકરિયા ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત કાંકરિયા પહોંચયા છે. તમામ કમિટીઓના ચેરમેન અને કોર્પોરેટરો પણ કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન તેમજ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ચીન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાં વધતા કેસોની વચ્ચે સરકાર સતર્ક છે. ત્યારે આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે. જેને લઇને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યાં હતા. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ મેળવનારા લોકોને સેનિટાઇઝ પણ કરવામાં આવ્યા હતા.
કાંકરિયા કાર્નિવલમાં ૧૦૦ જેટલા વોલેન્ટીયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે, ૨૫મી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કર્યા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ ૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. ૩૧ ડિસેમ્બરે એટલે કે છેલ્લા દિવસે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ પર ૧૫ રાજ્યોના કલાકારો પરફોર્મન્સ કરશે.
આ વખતે ૪.૫૦ કરોડના ખર્ચે કાર્નિવલ યોજાઈ રહ્યો છે. આ ઉપરાંત કાર્નિવલમાં સ્પોન્સરશિપ પણ આપવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય ગેટ પર ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં મ્યુનિસિપલ સ્કૂલોનાં અને ખાનગી સ્કૂલોનાં બાળકો દ્વારા તેમજ વિવિધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વિવિધ પ્રોફેશનલ ગ્રુપો અને ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિઓ દ્વારા પણ આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
Recent Comments