ભાવનગર

કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ જીલ્લાના અને શીતલબેન ભટ્ટીને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માન કરાયું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત શિક્ષક દિન (૫ મી સપ્ટેમ્બર) નિમિતે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેંદ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી નું સન્માન રાજ્યકક્ષાના સહકાર રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ની પ્રેરક ઉપસ્થિતિમાં શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

        કુંભણ કેંદ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી શ્રી રમેશભાઈ બારડને ઍવોર્ડમાં મળેલ રકમ ₹ ૧૫,૦૦૦/- અને શીતલબેન ભટ્ટીને ઍવોર્ડમાં મળેલ રકમ ₹ ૫,૦૦૦/- આમ કુલ ₹ ૨૦,૦૦૦/- ની રકમ સામે પોતાના ૧૦,૦૦૦/- ઉમેરી કુલ ૩૦,૦૦૦/- શાળામાં અર્પણ કરવામાં આવશે અને તેમાંથી વધુ રમકડાં બનાવવા માટેનો દંપતીએ નિર્ધાર કરેલ છે.  

        સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી પ્રતિ વર્ષ આપણાં પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં પ મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે.

        આપણને જેણે જ્ઞાન આપ્યું છે. જેને કુશળતા બક્ષી છે. જેણે જીવન જીવવાની કેળવણી આપી છે તેવાં ગુરુઓ-શિક્ષકોને વંદન અને નમન કરવાનો આ અવસર છે.

        ટેકનોલોજીના સમયમાં કોરોના કાળમાં આફતને અવસરમાં ફેરવીને બે વર્ષમાં ૨૦૦૦ જેટલા શૈક્ષણિક રમકડાં બનાવીને બાળકોનું શિક્ષણ જીવંત રાખ્યું હતું. શ્રી રમેશભાઈ બારડ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા અને લોકભારતી સણોસરા ના વિદ્યાર્થી હોવાનું ગર્વ ધરાવે છે. તેમને બુનિયાદી કેળવણીમાં અતુટ વિશ્વાસ છે. સમાજ શિક્ષણ માં જીવન મુલ્યોને વધારે મહત્વ આપે છે.

        નાના બાળકોની બુદ્ધિ ક્ષમતા આધારિત વેસ્ટ માંથી બેસ્ટ રમકડા બનાવી ઘરે ઘરે જઈને સરળ રીતથી શિક્ષણ આપ્યું હતું. તેમણે નકામી સીડી, પાણીની બોટલ ,પથ્થર, રંગીન કાગળ, સિંગના ફોફા ,નકામા ઢાંકણા, લાકડાના પાસા , સોડા બોટલના બીલા જેવી નકામી વસ્તુમાંથી બાળમાનસ આધારિત રમકડાઓ બનાવ્યા છે. દંપતીએ ૨૦૦ જેટલી શબ્દો ડાયરી બનાવી ૨૦૦૦ શબ્દોનો ભંડાર તૈયાર કર્યો છે. પોતાની આગવી સૂઝથી બાળમાનસ આધારિત રમકડાં બનાવી રમકડા મેળામાં રાજ્યકક્ષા અને નેશનલ કક્ષા સુધી સફર કરી સર કરી ચૂક્યા છે. 

        શિક્ષિકા શિતલબેન ભટ્ટી પોતે ચિત્ર શિક્ષિકા છે. અને વેસ્ટ માંથી બેસ્ટ મટીરીયલ નિર્માણ કરવામાં વિશેષ આવડત ધરાવે છે. વર્ગખંડમાં અનેક રંગીન ભીંત ચિત્રો બનાવી “બોલતી દિવાલ” પ્રોજેક્ટ નવતર પ્રયોગ રજૂ કર્યો છે. તેમણે દેશી રમતોને  શિક્ષણમાં સ્થાન આપ્યું છે.

        ધોરણ ૧ અને ૨ નાં પ્રજ્ઞા ક્લાસમાં રંગીન ચિત્રો વાળી દિવાલ બનાવી બાળકોને સાહજિક વાતાવરણ પૂરું પાડવા ઉત્તમ પ્રયત્ન કરેલ છે. શબ્દો પતંગિયા, અક્ષરવૃક્ષ, મૂળાક્ષર રેલગાડી, શાકભાજી અને ફળોના વિવિધ ચિત્રો ને માનવ આકૃતિ સાથે ચિત્રાંકન કરીને બાળમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. રંગીન ચિત્રો બાળકોને ખૂબ ગમતા હોય છે પ્રથમ વખતે શાળાએ આવતાં બાળકો નામાંકન પછી શાળાએ આવતાં ડર અનુભવતાં હોય છે. તે સમસ્યાના ઉકેલરૂપે શિક્ષક દંપતીએ આ નવતર પ્રયોગ રજુ કર્યો છે. તેમની આ પહેલ ની નોંધ જિલ્લા અને રાજ્ય કક્ષાએ લેવામાં આવી છે

        અત્રે ઉલ્લેખનીય છે કે જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરીત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર માં આ ઈનોવેટીવ શિક્ષક દંપતીએ પોતાના જાતે બનાવેલા ૨000 જેટલા શેક્ષણિક રમકડાં રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા. તેમજ શીતલબેન ભટ્ટીએ “બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડા” અને રમેશભાઈ બારડ એ ” સંખ્યાજ્ઞાન આધારિત શૈક્ષણિક રમકડાં ” દ્વારા પોતાના અદભુત ઇનોવેશન રજૂ કર્યા હતા. તેમના આ ઇનોવેશન માટે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુએ પ્રસન્નતા આશીર્વાદ લખી આપેલ છે.

        ઉલ્લેખનીય છે કે આ શિક્ષક દંપતીએ કોરોના સમયમાં વર્ક ફ્રોમ હોમ ના સમયગાળામાં ૨૦૦૦ જેટલા શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું તેમાંથી રમેશભાઈ બારડની “મલ્ટીપર્પજ એજ્યુકેશનલ કાર્ટ” રમકડા કૃતિએ નેશનલ કક્ષાના રમકડાં મેળામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.  

Related Posts