સૌરાષ્ટ - કચ્છ

કુંવરજી બાવળિયાએ જસદણમાં ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું

રાજકોટ જિલ્લાના એપી સેન્ટર જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરી રિપીટ કરી ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે ૩થી ૪ કિલોમીટર લાંબી રેલી યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જાેડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાની જીભ લપસી હતી અને કહ્યું હતું કે, જિલ્લાના અમારા તમામ આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ, પરંતુ બાદમાં સોરી કહી ઉમેદવારીપત્રક આપવા જઈએ છીએ તેવું જણાવ્યું હતું. કુંવરજી બાવળિયા રેલીમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જાેડાઇને કેસરીયો લહેરાવ્યો હતો.

ભાજપના ઝંડા સાથે કાર્યકરો જાેવા મળ્યા હતા. તેમજ બાવળિયાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જસદણના આટકોટ રોડ પર આવેલી જીઆઈડીસીથી જસદણ તાલુકા સેવા સદન સુધી ૩થી ૪ કિલોમીટર લાંબી રેલી યોજી બાવળિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. તાલુકા સેવા સદન ખાતે તેઓ પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા. કુંવરજી બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા જનડા ગામ ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ જસદણ અને વીંછિયાના ગઢડીયા ગામે મેલડી માતાજીના દર્શન કર્યા હતા. જસદણના બાયપાસ રોડ પર આવેલા ચોહલીયા પાર્કમાં બિરાજતા અંબાજી માતાજીના મંદિરે બાવળિયાએ દર્શન કર્યા બાદ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા ગયા હતા.

આ સમયે જસદણના રાજવીએ બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ભાજપે જસદણ બેઠક પર મારા નામની જાહેરાત કરી છે. આજે હું ઉમેદવારી પત્રક વિશાળ જનમેદનીની હાજરીમાં જઈ રહ્યો છું. ગત વખતે જેટલી લીડથી જીત્યો હતો તેનાથી બમણી લીડથી વિજેતા થઈશ. જસદણ બેઠક પર સૌથી વધુ ૩૫% કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે બીજા નંબર પર ૨૦% લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અને બાકીના ૪૫% પર અન્ય સમાજનું પ્રભુત્વ રહેલું છે.

Related Posts