ગાંધીનગરના પેથાપુરમાંથી બે શખ્શો ઈંગ્લીશ દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપાયા
ગાંધીનગરના પેથાપુરમાં સરકારી દવાખાના પાછળ આવેલી જર્જરીત ઓરડીમાં પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ કરીને વિદેશી દારૃની ૧૩૭ બોટલો તેમજ બીયરનાં ૨૨ નંગ ટીન સાથે એક સગીર સહિત બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. ૫૫ હજાર ૫૭૦ નો મુદામાલ જપ્ત કરી અન્ય બે બુટલેગરો વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં વિદેશી દારૂનાં ધંધામાં સગીર વયના બાળકોને પણ સક્રિય થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પેથાપુર પોલીસ પોતાની હદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામમાં સરકારી દવાખાના પાછળ સોમાભાઇ ઠાકોરનાં વાડામાં ખુલ્લી જગ્યામાં બે ઇસમો વિદેશી દારૂની હેરફેર કરી વિદેશી દારૂ સંતાડવાની પેરવી કરી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે ખાનગી વાહનમાં ઉક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક જર્જરિત ઓરડી પાસેથી બે ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેમની પૂછતાંછ કરતાં એક ઈસમે પોતાનું નામ અંકેશ શંભુજી ઓડ (ઉ.વ. ૨૦,રહે.ઓડવાસ પેથાપુર) હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજાે ઈસમ ૧૭ વર્ષનો કિશોર હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે ઓરડીની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
જે પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરતાં ૫૫ હજાર ૫૭૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૩૭ બોટલો અને બિયરનાં ૨૨ ટીન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બંનેની કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવતાં ઉક્ત જથ્થો હર્ષ અશોકભાઈ ઠાકોર (રહે, માધવ વિહાર સોસાયટી પેથાપુર) તથા ફારૂકભાઇ મકસુદબાઇ મન્સુરી (રહે, તરપોજ ચકલા, પેથાપુર) નામના બુટલેગરોએ સંતાડવા માટે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જે અન્વયે પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments