fbpx
ગુજરાત

ગાંધીનગરમાં નોધાયો અનોખો વિરોધ, ખેડૂતોએ ૪ હજાર કિલો લસણ ગરીબોને મફતમાં વહેચ્યું!

ગુજરાતના ખેડૂતોને લસણ જેવા વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં નહીં મળતાં આજે ગુજરાત કિસાન સંગઠન દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ૪ હજાર કિલો લસણ નિઃશુલ્ક વહેંચીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાતના ખેડૂતોને લસણ જેવા વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ ભાવો બજારમાં મળી રહ્યા નથી. ખેડૂતોને લસણના પાકમાં એક મણે જેટલો ઉત્પાદન ખેતી ખર્ચ આવે છે તેટલો ભાવ પણ માર્કેટમાં મળી રહ્યો નથી. જેથી ગુજરાતના ખેડૂતો પોતાના મહામુલ્યવાન લસણનાં પાકને રોડ રસ્તા તેમજ નદી નાળામાં ફેકી દેવા માટે મજબુર બન્યા છે. ગુજરાતના ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચે અને સરકારની આંખો ખુલે તેવા હેતુંથી આજરોજ ગુજરાત કિશાન સંગઠન દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે અનોખી રીતે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે.પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી ખેડૂત પુત્ર ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,ગુજરાત કિશાન સંગઠનની ટીમ અને ખેડૂતો સાથે મળીને ગાંધીનગર ખાતે ગરીબોને ૪ હજાર કિલો લસણ મફતમાં વહેંચી અનોખી અને લોક ઉપયોગી રીતે વિરોધ નોંધાવવા એકઠા થયા છે. ગાંધીનગર ખાતે ગરીબોમાં ૪ હજાર કિલો લસણ મફતમાં વહેંચી વિરોધ માટે અવાર-નવાર દૂધ, ફળ, શાકભાજી અને વિવિધ પાકોને રોડ રસ્તા કે નદી નાળામાં ફેંકી દેવાના બદલે ગુજરાત કિશાન સંગઠન દ્વારા જરૂરિયાત મંદ ગરીબ લોકોને ફ્રીમાં આપી સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવાની આ નવી પ્રથાનો આજે લાભ પાંચમના શુભ દિવસથી શરૂઆત કરી છે.

ગુજરાત કિશાન સંઘે નવો લોક ઉપયોગી રીતે વિરોધ કરવાનો ચીલો ચાંતર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને દેવામાં ડૂબતા બચાવવા માટે તાત્કાલિક ધોરણે લસણ જેવા વિવિધ પાકોની યોગ્ય ભાવે ખરીદી, એક્ષપોર્ટ, સ્ટોક કે પ્રોસેસ વગેરે જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સખતમાં સખત માંગણી ગુજરાત કિશાન સંગઠન દ્વારા જગત તાત મિશન –૨૦૨૨ અંતર્ગત કરવામાં આવી છે. વાવણીથી લઈને કાંપણી સુધી એક એકરે લસણની ખેતી માટેનો ટોટલ ખર્ચ ૩૭ હજાર ૧૭૦ રૂપિયા થાય છે.

જયારે ખેડૂતોને એક એકરે લસણનું ઉત્પાદન અંદાજે ૧૫૦ મણ જેટલું થાય છે. આ વર્ષે લસણનો એક મણનો અંદાજીત ભાવ માત્ર રૂપિયા ૧૫૦ પ્રતિ મણના માંડ માંડ મળી રહ્યા છે .એટલે કે ખેડૂતોને એક એકરે ૨૨,૫૦૦ રૂપિયા મળી રહ્યા છે .જેની સામે ખેડૂતોને ૩૭ હજાર ૧૭૦ રૂપિયાનો ખેતી ખર્ચ આવે છે એટલે કે, લસણની ખેતી કરતા ખેડૂતોને એક એકરે લગભગ ૧૪ હજાર ૬૭૦ રૂપિયાની ખોટ આવી રહી છે. લસણની ખેતી ગુજરાતના ખેડૂતો માટે ખોટનો ધંધો બની ગઈ છે.

Follow Me:

Related Posts