ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લોકસભા ચૂંટણી નહીં લડે
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિન પટેલે મહેસાણાથી દાવેદારી પરત ખેંચવાની માહિતી આપી ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભાજપે ૧૫ ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે અને ૧૧ બેઠક માટે મંથન ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ, પૂર્વ નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી કે, તેઓ લોકસભા ચૂંટણી નહિ લડે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લોકસભા ચૂંટણી નહીં લડે.
નીતિન પટેલે મહેસાણાથી દાવેદારી પરત ખેંચી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિન પટેલે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગી હજુ ચાલુ છે, તે પહેલા હું ઉમેદવારી પરત ખેંચુ છું. મહત્વનું છે કે, મહેસાણા બેઠક માટે જ્યારે સેન્સ લેવામાં આવી ત્યારે નીતિન પટેલે દાવેદારી કરી હતી અને તેમને મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ હવે તેમણે સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા નવો વળાંક આવ્યો છે. નીતિન પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી.
ગઇકાલે રાજ્યની ૧૫ લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું. ચર્ચા એમ પણ છે કે, ભાજપના નવા આયામ જૂના નેતાઓને નડી રહ્યાં છે. તે જ માપદંડ નીતિન પટેલને પણ નડી રહ્યાં છે. તેમને રાજસ્થાનના પ્રભારી બનાવાયા હતા, અને તેમને કોઈ રાજ્યના ગર્વનર બનાવવાની વાત હતી. ગર્વનર એટલે રાજકીય સંન્યાસ. હાલ ભાજપમાં ઉમેદવાર માટે કશ્મકસ ચાલી રહી છે.
આ વાત સૂચવે છે કે, મહેસાણા બેઠક માટે ભાજપે ઉમેદવાર નક્કી કરી લીધો છે, અને તે મેસેજ નીતિન પટેલ સુધી પહોંચ્યો હોઈ શકે. તેથી જ નીતિન પટેલે આ પ્રકારની ટિ્વટ કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે એ વખતના જે મંત્રીઓ હતા, તેમાં નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. તે વખતે પણ તે લોકોએ આ જ રીતે સોશિયલ મીડિયા પર સૂચના આપી હતી. તેનુ કારણ એ પણ છે કે, આવા સિનિયર નેતા ઉમેદવારી કરે અને પાર્ટી ટિકિટ ન આપે તો તેમની સિનિયરોટીની માન મર્યાદા જળવાઈ રહે અને તેને ઠેસ ન લાગે. પાર્ટીના ર્નિણયને માન આપીને નીતિન પટેલે આ ટિ્વટ કરી હોઈ શકે છે. હવે જ્યારે નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, તો મહેસાણા બેઠક પર કોણ ઉમેદવાર રહેશે તેના પર સૌની નજર રહેશે. ચર્ચા એમ પણ છે કે, પાર્ટીએ મહેસાણામાં પોતાનો ઉમેદવાર નક્કી કરી લીધો છે. પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલનું નામ પણ હોઈ શકે છે. તેઓ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
Recent Comments