ગુજરાતના શિક્ષણ જગતના લોકો અને જગતના તાતને ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” નિહાળવા અનુરોધ કરતાં NCUI ચેરમેન દિલીપ સંઘાણી
ગુજરાતની ધરાના અદના માનવી, શિક્ષણવિદ અને ભારતમાં મોન્ટેસરી શિક્ષણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર તથા ‘મૂછાળી માં’નાં હુલામણા નામથી જાણીતા ગિજુભાઇ બધેકાના ‘‘બાળકો રમતાં રમતાં ભણે અને ભણતાં ભણતાં રમે” નાં વિચારોને ચરિતાર્થ કરતી ગુજરાતી ફિલ્મ ‘‘દિવાસ્વપ્ન” તા.૧૦ મી ડિસેમ્બરના રોજ સીનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે.
ભાર મૂકત ભણતરની સાથે ઝેર મૂક્ત ખેતી સહિતની પ્રવર્તમાન સમસ્યાઓને ઉજાગર કરતી આ ગુજરાતી ફિલ્મને ગુજરાતના શિક્ષણ જગતના લોકો, જગતના તાત એવા ખેડૂતો સહિતના લોકોને નિહાળવા સહકાર ક્ષેત્રના અગ્રણી, NCUI અને ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણીએ અનુરોધ કરવાની સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આ ફિલ્મને કર મૂકત કરવા એક પત્ર દ્વારા ભલામણ પણ કરી છે.
ઉલ્લેખનિય છે કે, એક ખેડૂત પુત્ર નરેશભાઈ દ્વારા ભાર વિનાનું ભણતર, ઝેર મુક્ત ખેતી અને સમાજની પ્રવર્તમાન સાંપ્રત સમસ્યાઓના ગહન અભ્યાસ અને ચિંતન બાદ ગુજરાતી ફિલ્મના માધ્યમથી તેને કચકડાના પડદે ઉતારી છે. જે તા.૧૦ મી ડિસેમ્બરને શુક્રવારના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મનું ટ્રેલર નિહાળી શ્રી દિલીપભાઈએ લાગણીસભર સ્વરે જણાવ્યું હતુ કે, મેં જ્યારે આ ફિલ્મનું ટ્રેલર નિહાળ્યુ ત્યારે મારી આંખ લાગણીથી ભરાઈ ગઈ હતી અને તેથી જ હું આપ સૌને સપરિવાર આ ‘‘દિવાસ્વપ્ન” ફિલ્મ અચૂક નિહાળવા આગ્રહ સભર વિનંતી કરૂં છું. ચેરમેનશ્રીએઆ ફિલ્મને કરમૂકત કરવામુખ્યમંત્રીશ્રીને પત્ર લખતા જણાવ્યું છે કે, જાણીતા શિક્ષણવિદ્દ શ્રી ગિજુભાઈ બધેકાની શિક્ષણની પરિકલ્પના, ઓર્ગેનિક ખેતી અને સમાજની સાંપ્રત સમસ્યાઓ ઉપર ગહન અભ્યાસ અને ચિંતન બાદ આ મહત્વના વિષયને કચકડે કંડારી “દિવાસ્વપ્ન” નામથી ગુજરાતી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે. જેને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના ૫૨(બાવન) એવોર્ડ પ્રાપ્ત થયા છે. જે ગુજરાત ફિલ્મ જગત માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. સમાજમાં ઉદાહરણ રૂપ કહી શકાય તેવી આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સકારાત્મક સંદેશો આપનારી બની ગઈ છે. જેને ધ્યાને લઈ આ ફિલ્મને રાજ્યસરકાર દ્વારા કરમુક્ત કરવા ભલામણ કરી છે
Recent Comments