ગુજરાતમાં નેશનલ હાઈવેના મંદ ગતિએ ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રીને રજૂઆત.
ગુજરાતના રાજ્યસભા સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી. જેમાં કેટલીક જગ્યાએ મંદ ગતિએ ચાલી રહેલી કામગીરી અંગે પણ રજુઆત કરવામાં આવી. મોટાભાગના સાંસદોની રજુઆત હતી કે, જે તે વિસ્તારમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટના કામ ખૂબ ધીમા ચાલી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે લાંબા સમયથી ચર્ચિત ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અંગે રજૂઆત કરી. તેમણે કહ્યું કે, આ હાઈવે પર 2 ખંડનું કામ ચાલે છે. જ્યારે 4 ખંડમાં કામ ચાલુ જ નથી થયું. આ કામ ક્યારે પૂરું થશે તે હાલ દેખાઈ નથી રહ્યું. લાંબા સમયથી લોકોની આ રસ્તા માટે માંગ હતી, પણ તેનું કામ ખુબ જ મંદ ગતિએ ચાલુ છે અને વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. આ ઉપરાંત તેમણે ભાવનગર-ધોલેરાના 4 માર્ગીય રસ્તા અંગે ફરી જમીન કપાત અંગે રજુઆત કરી. હાલના હયાત માર્ગ ઉપરાંત નવા માર્ગ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જુના રસ્તાના બદલે બાજુમાં નવા રસ્તા કાઠવાના નિર્ણયના કારણે ખેડૂતોની ડબલ જમીન કાપય છે. નેશનલ હાઇવે ના મેઈન્ટનન્સ (મરામત)ના કામો થતા નથી જે લોકો માટે માથાના દુઃખાવા સમાન છે. આ પ્રોજેક્ટમાં લોકોની હાલાકી ઘટે તે પ્રમાણે કામ થાય તે જરૂરી છે. સાથે જ તેમણે નેશનલ હાઈવેના મેઈન્ટનન્સની જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. એક વાર રસ્તા બન્યા બાદ એજન્સીઓ તેનું યોગ્ય મેઈન્ટનન્સ ન કરતી હોવાની તેમની રજુઆત હતી. આ અંગે મોટાભાગના સાંસદો સહમત જોવા મળ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, વર્ષ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 7 રસ્તાઓને નેશનલ હાઈવે બનાવવાની જાહેરાત કરી હતી, પણ તેમાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. ચિલોડા-હિંમતનગર હાઈવેના બંધ પડેલા કામ ફરી શરૂ કરવા શક્તિસિંહે અનુરોધ કર્યો હતો.
ખેડૂતોને પુરતું વળતર નહીં મળતું હોવાની બાબતમાં કેન્દ્રીય મંત્રીશ્રી એ ગુજરાત સરકારને જવાબદાર ઠેરવી હતી . ગુજરાત સરકાર જંત્રી સુધરતી નથી અને વળતર ઉદાર રીતે આપતી નથી. હાઇવે ઓથોરિટી પુરતા પૈસા આપવા તૈયાર છે એમ શ્રી ગડકરી એ જણાવેલ
Recent Comments