fbpx
ગુજરાત

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ

 છેલ્લા બે વર્ષથી સમગ્ર ગુજરાતમાં શિક્ષક આલમ , શિક્ષણની ચિંતા અને ઉપચારાત્મક કાર્ય કરવાની યાત્રાનો આરંભ ‘ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ’ના માધ્યમથી થઈ રહ્યો છે. આ કામને અપ્રતિમ સફળતા મળી રહ્યાનો અહેસાસ થાય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસા વગર પણ રચનાત્મક કામો થઈ શકે છે, તેનું ઉદાહરણ આ અવૈધિક સંસ્થાએ પૂરું પાડ્યું છે.જે ભાઈઓ-બહેનો લોકનિકેતન રતનપુર જી.બનાસકાંઠા અને સર્વ વિદ્યાલય કેમ્પસ કડી જી.મહેસાણા ખાતે સંગોષ્ઠીમાં ઉપસ્થિત હતાં, તેઓએ સમગ્ર પ્રવૃત્તિને બારીકાઈથી જોઈને મૂલ્યાંકિત કરી છે,તેનો ખૂબ આનંદ છે.

ગુજરાતમાં સવાલોમાં ઘેરાતી રહેતી સરકારી શિક્ષણ વ્યવસ્થામાં હજી પણ, ક્યાંક જે મિત્રો ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે, તેમની પીઠ થાબડવા માટે એક નવતર પ્રયોગ કરી તેમને પ્રોત્સાહિત કરવા આપણે શું કરી શકીએ ?? એ વાત……. હ્દયમાં સતત ઘોળાતી રહેતી હતી. શિક્ષકના ‘સ્વ ‘વિકાસનાં સઘળાં પાસાંઓમાં ખાસ….. શિક્ષકનું વ્યક્તિત્વ, સામાજિ જોડાણ સાથે ભાવાત્મક ઐક્ય અને સમગ્ર વ્યવસાયિક વિકાસ,આ ત્રણ પાસાંઓ ખૂબ મહત્વનાં છે .આ ત્રણેય પાસાંઓને જરૂરી રીતે ઘડવા-પ્રોત્સાહિત કરવામાં ગુજરાત શૈક્ષણિક- સાંસ્કૃતિક મંચે શિક્ષકોના જ શબ્દોમાં સ્વાનુભવ, કરેલ વિશિષ્ટ કામગીરી, સમાજ ઉપર એનો પ્રભાવ, વિદ્યાર્થીઓના ઘડતરમાં અપનાવેલ વિવિધ પદ્ધતિ-પ્રયુક્તિઓની ફળશ્રુતિ અને એમાંથી મળતો નિજાનંદ વગેરે બાબતોને આવરી લઈ એક પુસ્તક તૈયાર કરવાના પ્રસ્તાવને અમલમાં મૂકાયું.

એ માટે ગુગલ ફોર્મ મારફત સમગ્ર ગુજરાતની શાળા- મહાશાળાઓના કાર્યરત અને નિવૃત શિક્ષકોને સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું.સારી એવી સંખ્યાએ ભાગ લીધો.જેમાંથી સમિતિએ 31 શિક્ષકોને પસંદગ કર્યા.આ પસંદ થયેલ શિક્ષકો, એ ગુજરાતની આગવી ઓળખ અભિવ્યક્ત કરે છે.સહયોગીઓમાંથી આ પુસ્તકમાં કુલ 12 જિલ્લાઓના 31 શિક્ષકોનો સમાવેશ થાય છે.શિક્ષણ જગતમાં આ પુસ્તક નવોદિતોની દીવાદાંડી બની શકવાની પ્રબળ સંભાવના સમાન લાગી રહ્યું છે.આ પુસ્તક સમાજ અને ગુજરાતને એક નવી દિશા પ્રદાન કરશે એવો વિશ્વાસ છે.

પુસ્તકમાં સમાવિષ્ટ શિક્ષક ભાઈ -બહેનો આપસમાં… એકબીજા વચ્ચે પરિચય તો કેળવશે જ.સાથે સાથે એકબીજાની પ્રવૃત્તિઓને પણ નજીકથી નિહાળીને પોતાના કાર્યને વધુ તાકાતવર બનાવવા કૃતનિશ્ચયી થશે.આમ થવાથી તેઓનો વ્યવસાયિક વિકાસ તો થશે જ.એ ઉપરાંત અન્ય સાથે ઐક્ય કેળવી સમગ્ર ગુજરાતની શિક્ષણ આલમને એકસૂત્રે જોડવાની ભૂમિકા ભજવશે.

આ પુસ્તક સકારાત્મક રીતે પ્રયોગશીલ કાર્ય કરી રહેલાં વ્યક્તિત્વોને વિકાસના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતના આકાશમાં ઉડવાની તક પૂરી પાડશે.આ રીતે…. ખાસ ઉત્સાહિત અનુભવીઓ / નવોદિતોના વ્યક્તિત્વ વિકાસ માટે પ્રેરક બનશે. વિસ્તૃત ફલકે જોતાં આ સર્જન “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવનાને ચરિતાર્થ કરશે. સૌ શિક્ષક ભાઈ-બહેનો સાથે ચાલવાનો પ્રયત્ન કરીને, સામાજિક સદભાવ ઊભો કરી, સામાજિક વિકાસ કરી શકશે.એટલું જ નહીં, સમાજના અન્ય લોકોને પણ પોતાની સાથે જોડીને સામાજિક વિકાસને નવી ઊંચાઈ આપવાનો પ્રયત્ન કરશે. આશા છે કે આ પ્રયાસ શિક્ષકત્વની ગરિમાને ઉજાળશે.

આગામી 22/23 એપ્રિલ 2023 તારીખોમાં મંચની તૃતીય સંગોષ્ઠિના આયોજિત સ્થળ સાસણ જિલ્લો ગિર સોમનાથ ખાતે આ પુસ્તકનું વિમોચન કરવાનું નક્કી થયેલ છે.ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચનો આ એક નાનકડો પ્રયાસ ઘર દીવડાનું સ્થાન શોભાવશે.શ્રીમાન તખુભાઈ સાંડસુર સંયોજકશ્રી, ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ…ગુજરાત રાજ્ય દ્વારા સંપાદિત આ પુસ્તક વિમોચન અવસરને આગોતરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Follow Me:

Related Posts