ગૃહની બંને દીકરીઓને ભાવનગર મીડિયાએ બંને દીકરીઓને રૂ.૧૫૦૦ નો ચાંલ્લો કર્યો
કહેવાય છે કે, જ્યારે સમાજમાં સારું કાર્ય આરંભ કરવામાં આવે છે ત્યારે તેને ગમે ત્યાંથી મદદ મળી રહે છે અને મુશ્કેલીઓનો પહાડ આંગળીના ટેકે-ટેકે ગોવર્ધન ઉચકાય તે રીતે ઉચકાઇ જાય છે.
આવું જ આજે ભાવનગર ખાતે યોજાયેલા તાપીબાઈ વિકાસ ગૃહની બે દીકરીઓના લગ્ન સમારંભમાં જોવાં મળ્યું જેમાં સમાજ શ્રેષ્ઠીઓનો તો સહકાર મળ્યો જ પરંતુ પત્રકારત્વ આલમનો પણ સહકાર મળ્યો.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મીડિયા સરકાર અને નકારાત્મક પાસાઓને જ ઉજાગર કરે છે પરંતુ આજે ભાવનગર ખાતે તાપીબાઇ વિકાસ ગૃહની બે કન્યાઓના યોજાયેલા લગ્નમાં પત્રકારોમાં પણ એક સારો માણસ જીવે છે, તેમનામાં પણ પરોપકારની ભાવના છે, કલ્યાણની ભાવના છે તેનો સાક્ષાત્કાર થયો હતો.
આજે યોજાયેલાં લગ્નમાં લોકો દ્વારા અપાયેલાં સહકાર અને સુગ્રથિત અને સુવ્યવસ્થિત લગ્ન આયોજન જોઈને ભાવનગરના પત્રકાર મિત્રોના એસોસિએશને પૂનમ અને ગુંજનના લગ્ન પ્રસંગે પોતે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહભાગી થવું જોઈએ તેવો અહેસાસ થતાં તાત્કાલિક ધોરણે ત્યાં ઊભા ઊભા જ રૂ. ૩૦૦૦ ભેગા કરીને બંને દીકરીઓને રૂ. ૧૫૦૦-૧૫૦૦ નો ફાળો તાત્કાલિક ઊભો કર્યો હતો. અને નવવિવાહિત યુગલને ચોરીમાં જઈને રૂબરૂ સુપરત કર્યો હતો.
આમ, સમાજ શ્રેષ્ઠીઓ સાથે પત્રકારો પણ સમાજનો એક અભિન્ન અંગ છે.તેમનામાં પણ લાગણી વસે છે તેનો અહેસાસ આ પ્રસંગે તેમના મનોભાવથી વ્યક્ત થતો હતો.
ભાવનગર પત્રકાર મિત્રો વતીથી અજીતભાઈ ગઢવી, નીતિનભાઈ સોની, અરવિંદભાઈ ભટ્ટી,અને નિતીનભાઇ ગોહિલ, કેતનભાઇ ત્રિવેદી સહિતના મિત્રોએ રૂબરૂ નવ વિવાહિત યુગલને શુભેચ્છાઓ પાઠવવા સાથે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ ચાંલ્લો સુપરત કર્યો હતો.
આમ, સામાન્ય સંજોગોમાં સામસામેની પાટલીએ બેસતાં રાજકારણી, પત્રકાર, સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ એક સારા અને નેક કામ માટે એક જ પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહીને સમાજ સેવા અને સમાજની એકતાનું આવવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
Recent Comments