ગુજરાત

ગોધરા એસઓજી પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

ગોધરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં એક ઈસમે એક પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે કોઈ ગંભીર પ્રકારના ગુના કરવાના ઇરાદે ખુલ્લેઆમ લઈને ફરી રહ્યો હોવાની બાતમી એસઓજી શાખાના પી.આઈને મળી હતી. જે બાતમીના આધારે એસઓજી શાખાની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરી પિસ્તોલ સહિત ૨૬ હજાર ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધારે તપાસ હાથ ધરી છે. આ બનાવ સંદર્ભે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી માટે જરૂરી સુચનાઓ એસઓજી શાખાના પીઆઇ એન આર ચૌધરીને આપી હતી. સુચનાઓના આધારે એસઓજી શાખાની અલગ-અલગ ટીમો બનાવી પોતપોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા હતા.

તેમજ ગુનેગારો ઉપર હ્યુમન સોર્સ તથા ટેકનિકલી એનાલિસિસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન એસઓજી શાખાના પીઆઈ એન.આર. ચૌધરીને બાતમી મળી હતી કે, રઈશ હુસેન પોતાના કબજામાં એક હાથ બનાવટની પિસ્તોલ જીવતા કારતૂસ સાથે રાખી કોઈ ગંભીર પ્રકારનો ગુનો કરવાના ઇરાદે ખુલ્લેઆમ ઈસ્માઈલ મસ્જિદ પાસે ભિલોડિયા પ્લોટના મેદાનમાં ઊભો છે. બાતમીના આધારે એસઓજી શાખાના પીએસઆઇ આર.આર. ગોહિલ તથા એસઓજી ટીમના માણસો અને પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં રઈશ હુસેન મીઠાની અટકાયત કરી તેની પાસેથી એક હાથ બનાવટના લોડેડ પિસ્તોલ મળી આવી હતી.

જેમાં જીવતા કારતૂસ નંગ ૫ તથા બે મોબાઈલ સહિત ૨૬ હજાર ૫૦૦ રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરી પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં રઈશ મીઠાએ જણાવ્યું હતું કે, રમજાની પરશુ પાસેથી પિસ્તોલ લીધી હોવાની કબુલાત કરી હતી. જે સદર બનાવ સંદર્ભે ગોધરા બી ડિવિઝન પોલીસ આર્મ્સ એક્ટ મુજબ ગુનોં નોંધ્યો હતો. જ્યારે સદર આરોપી રઈશ મીઠા ભૂતકાળમાં સન ૨૦૦૨ ગોધરા રેલવે હત્યાકાંડના ગુનામાં પકડાયો હતો અને સાત વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. ત્યારબાદ ૨૦૧૮માં આર્મ્સ મુજબ ગુનામાં તથા અન્ય બીજા ગુનાઓમાં પકડાયેલો છે. જ્યારે જેની પાસે પિસ્તોલ અને કારતુસ લીધેલા છે. તે આરોપી રમજાની પરશુને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts