fbpx
ગુજરાત

ગોધરા-વડોદરા હાઈવે પર એસટી બસના ડ્રાઈવરે બસ સાઈડમાં દબાવતા લોકો ઈજાગ્રસ્ત થયા

ગોધરા શહેરના હાલોલ વડોદરા હાઈવે ઉપર આવેલ કોઠી ત્રણ રસ્તા પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે કોઠી મોટર્સ પાસે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગ કરતો પત્ર માર્ગ અને મકાન વિભાગને એડવોકેટ રમજાની જુજારા કરી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં ન આવતા ફરી એકવાર બસ ચાલકે એક જ પરિવારના છ જેટલા સભ્યોને અડફેટમાં લીધા હતા.

જેમાં પાંચનો આબાદ બચાવ થયો, જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.ગોધરાના વડોદરા હાઇવે પાસે આવેલ કોઠી ત્રણ રસ્તા ઉપર એક બસ ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવતા છ લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ગોધરાના સીમલિયા પાલી ગામે આવેલ વૃંદાવન ફળિયામાં રહેતા મહાસુખભાઈ ભાવસિંગભાઈ નાયક પોતાના પરિવારના સભ્યોને લઈને પોતાની દીકરી અને જમાઈના ઘરે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે ગોધરા પાસે આવેલ સારંગપૂર ખાતે નીકળ્યા હતા.

ત્યારે તેઓ ગોધરાના વડોદરા હાઈવે ઉપર આવેલ કોઠી ત્રણ રસ્તા ઉપર બસની રાહ જાેઈ રહ્યાં હતા. ત્યારે બાયડથી પાવાગઢ તરફ જઈ રહેલી એસ.ટી બસના ચાલકે પોતાની બસ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં ઊભા રહેલા મહાસુખભાઈ નાયક સહિત છ લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક નાના બાળક સહિત પાંચ લોકોનો કુદરતી રીતે બચાવ થયો હતો. જ્યારે મહાસુખભાઈ નાયકને માથાના ભાગે અને પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts