અમરેલી

ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ અર્થે તાલુકા અને જિલ્લા સ્તરે સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે

સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૩ની શરુઆત થઈ ચૂકી છે. અમરેલી જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર ઉપરાંત બચાવ અર્થે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી, ૨૩ દરમિયાન કરુણા અભિયાન-૨૩ હાથ ધરવામાં આવશે. અભિયાન અંતર્ગત ગીર (પૂર્વ) વન વિભાગ કચેરી-ધારી, શેત્રુંજી વન્યજીવ વિભાગ કચેરી-પાલીતાણા તેમજ પશુપાલન વિભાગ કચેરી, અમરેલી દ્વારા સંયુક્ત રીતે સંકલન સાધીને ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ અર્થે તાલુકા અને જિલ્લા સ્તરે કલેક્શન સેન્ટર/સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે.

વધુ વિગતો મુજબ જિલ્લાના કુલ ૧૧ તાલુકાઓમાં ફોરેસ્ટ,એન.જી.ઓ. દ્વારા મળીને કુલ ૯ કલેક્શન સેન્ટર ઉપરાંત ફોરેસ્ટ, એન.જી.ઓ અને એનિમલ હસબન્ડરી દ્વારા મળીને કુલ ૧૨ સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે. જિલ્લાના નાગરિકોને નમ્ર અનુરોધ છે કે, આ કરુણા અભિયાન-૨૩માં પોતાનો સહયોગ આપીને જીવદયા દાખવવામાં આવે. આ ઉપરાંત વન વિભાગ કચેરી-અમરેલી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પતંગ સવારના ૯ વાગ્યા પહેલા અને સાંજના ૫ વાગ્યા પછી ન ઉડાવીએ, ચાઈનીઝ અને કાચની દોરીનો ઉપયોગ ટાળીએ, કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઈન પર સંપર્ક કરીને પ્રકૃતિ અને જીવ પ્રત્યે આપણી માનવીય ફરજ બજાવીએ. આ સારવાર કેન્દ્રો ઉપરાંત તેના સંપર્ક નંબર હેલ્પલાઈન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર Karuna વોટ્સએપ કરીને ઉપરાંત https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકાશે.

Related Posts