ચણાની ખેતી માટે તેનો વાવેતર સમય, અંતર અને ચણાની વિવિધ જાતમાંથી પસંદગી મહત્વની
કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે. આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિમાં કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રાકૃતિક કૃષિ એ ગૌ આધારિત કૃષિ છે. ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી રહ્યા છે.
શિયાળાની ઋતુ શરુ થવામાં છે. ચોમાસુ પાકનો સમય હવે લગભગ પૂર્ણ થયો ગણી શકાય. ખેડૂતો પોતાની ખેતી લાયક જમીનમાં એક પાકનું ઉત્પાદન લઈને ફરીથી બીજા પાક માટે જમીનને તૈયાર કરે છે. અનેક ખેડૂતો શિયાળુ પાક તરીકે ચણાની ખેતી કરે છે.
ખેડૂતો માટે ચણાની ખેતી માટે તેનો વાવેતર સમય, અંતર અને ચણાની વિવિધ જાતમાંથી પસંદગી મહત્વની બની રહે છે. ખેડૂતોએ શિયાળુ ઋતુ માટે ગુજરાત ચણા-૧ અને ૨, જુનાગઢ ચણા ૩ અને જેજી ૧૬ જાતનું વાવેતર તા.૧૫ નવેમ્બર સુધીમાં કરવું જોઈએ. મોટા દાણાવાળી ગુજરાત ચણા-૨ જાતને ૪૫ સે.મીના અંતરે ૮૦ થી ૧૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બીજનો દર રાખી વાવેતર કરવું.
ચણાનો પાક, બીજ સંસ્કરણ અને ઘન જીવામૃત
સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારુ ઉત્પાદન મેળવવા ચણાના બીજને બીજામૃતથી સંસ્કારિત કરવા જરુરી છે. બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એકવાર જમીન ઉપર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો.
રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવેત બનાવવાનો પ્રયત્ન કરવો જરુરી છે. પાક લીધા પહેલા લીલા ખાતરના રુપમાં શણ કે ઈક્કડ કે કઠોળનો પાક લેવો. યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો તે જરુરી છે.
જીવામૃતનો જમીનમાં ઉપયોગ
વાવેતર બાદ એક એકર જમીનમાં ૨૦૦ લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યારબાદ મહિનામાં બે વાર ૨૦૦ લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું. જીવામૃતનો પાક ઉપર છંટકાવ સમયાંતરે કરવો જરુરી છે. પ્રથમ છંટકાવ-વાવેતરના એક મહિના પછી પ લિટર જીવામૃતને ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો, બીજો છંટકાવ- પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લિટર જીવામૃતને ૧૨૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો, ત્રીજો છંટકાવ-બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લિટર જીવામૃતને ૧૫૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો, ચોથો છંડકાવ- ત્રીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૦૩ લિટર ખાટી છાશમાં ૧૦૦ લિટર પાણી સાથે છંટકાવ કરવો. ઉપરાંત રોગ જીવાત નિયંત્રણ માટે ચોક્કસ માત્રા મુજબ નિમાસ્ત્ર, લીમડાનું તેલ, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરવો.
રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. પ્રગતિશીલ ખેતી કરતાં ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
Recent Comments