ચૂંટણીલક્ષી તૈયારીને લઈ અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની સંયુક્ત સમીક્ષા બેઠક
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાશે. તા. ૮ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઈ સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વરશ્રી અજય વી. નાયકના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા અર્થે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની સંયુક્ત સમીક્ષા બેઠક અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં વિધાનસસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વરશ્રી દીપક મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, ગુજરાતમાં કુલ બે તબક્કામાં મતદાન થવાનું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રથમ તબક્કમાં મતદાન યોજાશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃત્તિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અવસર રથ કેમ્પેઈન, સહી ઝુંબેશ, સ્પેશિયલ મતદાન મથક જેવા કે, સખી મતદાન મથક જ્યાં માત્ર મહિલાઓ જ મતદાન મથકનું સંચાલન કરતાં હોય, દિવ્યાંગ મતદાન મથકો વગેરે પ્રવૃત્તિઓ અને પહેલ જિલ્લાભરમાં કરવામાં આવી છે. આ રિવ્યુ બેઠકમાં સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વરશ્રી અજય વી. નાયક અને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વરશ્રી દીપક મિશ્રાએ ત્રણેય જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો, વેબકાસ્ટિંગ, cVIGIL અંતર્ગત ફરિયાદ નિવારણ તંત્ર અને તેની પ્રતિબદ્ધતા, વિશેષ મતદાન મથક અને EVMને લઈ તમામ પ્રકારના પ્રોટોકોલ ઉપરાંત સમગ્રતયા તૈયારીની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત વોટર ટર્નઆઉટ રેશિયો વધારવા મુદ્દે ત્રણેય જિલ્લાઓને વિવિધ સૂચનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ત્રણેય જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ક્યા પગલાંઓ લેવામાં આવશે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી, ભાવનગર અને બોટાદ એમ ત્રણેય જિલ્લાની સંયુક્ત સમીક્ષા બેઠકમાં ત્રણેય જિલ્લાના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ, પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-વ-જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments