અમરેલી

છેલ્લા દસ વર્ષમાં ગરીબ ખેડૂત અને મધ્યમ વર્ગને કશું ન આપી શકનાર ભાજપ સરકારે જુદી જુદી બેંકો મારફત નવ વર્ષમાં ૧૫ લાખ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી : વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ

સંસદમાં તા. ૦૬-૦૮-૨૦૨૩ના રોજ આપવામાં આવેલી માહિતી મુજબ દેશની બેંકોએ ૨૦૧૪-૨૩ દરમ્યાન ₹ ૧૪.૫૭ લાખ કરોડની લોન માંડવાળ કરી હતી. રિઝર્વ બેંકની માહિતી મુજબ બેંકોએ માત્ર ૨૦૨૨-૨૩માં ₹ ૨.૦૯ લાખ કરોડની લોન માંડવાળ કરી. તે સાથે છેલ્લાં પાંચ વર્ષમાં બેંકોએ ₹ ૧૦.૫૭ લાખ કરોડની લોન માંડવાળ કરી. છેલ્લાં ત્રણ વર્ષમાં જે ₹ ૫.૯ લાખ કરોડની લોન માંડવાળ કરવામાં આવેલી તેમાંથી ફક્ત ૧૮.૬ ટકા એટલે કે ₹ ૧.૧ લાખ કરોડ જ બેંકો રિકવર કરી શકી હતી. પૂર્વ સાંસદ શ્રી ઠુંમર જેમની લોન માંડવાળ થઈ એ ચાની કિટલીવાળા તો ન જ હોય, એ મોટી મોટી કંપનીઓ હોય. બેંકો લોન માંડવાળ કરે તેનો અર્થ એ કે બેંકો તેમના હિસાબમાંથી જ એ રકમ કાઢી નાખે.

કારણ એ કે હવે એ લોનો પાછી આવવાની શક્યતા રહી નથી. બેંકોમાં એ પૈસા કોના હતા? સામાન્ય લોકોના. ગયા કોની પાસે? અમીરોની કંપનીઓમાં. આને સંપત્તિની પુનર્વહેંચણી કહેવાય. ગંગા ઉલટી વહે છે! બેંકોનું ચિત્ર ફૂલગુલાબી લાગે છે અને શેર બજારમાં તેમના ભાવ ઊંચકાયા હોય છે તેનું એક કારણ આ પણ છે. ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને ગરીબ વર્ગોને તમામ પ્રકારની રાહત આપવામાં આવશે પોતાનું જીવન ધોરણ સુધારી શકે તે માટે મફત પ્રાથમિક તેમજ ઉચ્ચશિક્ષણ અને આરોગ્ય સેવા આપવામાં આવશે તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું

Related Posts