જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા ૧૫ વર્ષની સગીર વિદ્યાર્થિની પર આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજાે વડોદરાથી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલોને ધ્યાને લઈ ગંભીર ગુનાને અનુસંધાને કોર્ટે પણ સમાજમાં કલંકરૂપ આ ઘટનાને ગણી પીડિતા અને પીડિતાના પરિવારને ન્યાય મળે તે હેતુથી ૨૪ એપ્રિલ ૨૦૨૩ બપોરે ૧૧ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતા મનીષ બુચને પોલીસ જાપ્તા વચ્ચે પોલીસ કસ્ટડીમાં લઈ જવાયો છે. આચાર્ય મનીષ બુચ સામે અગાઉ એ જ શાળામાં ટાટના પેપર લીક કૌભાંડમાં પણ ફરિયાદ નોંધાયેલી છે.
જામનગરની પોશ વિસ્તારમાં આવેલી સત્ય સાઈ સ્કૂલમાં વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીમાં લેવાયેલી ટાટની પરીક્ષા દરમિયાન કેન્દ્ર સંચાલક તરીકે જે તે સમયના આચાર્ય મનીષ બુચ ફરજ પર હતા, તે દરમિયાન જ પરીક્ષાર્થીઓએ શાળાના સીલ તૂટેલા પેપર આવતા હોબાળો મચાવ્યો હતો અને શિક્ષણ વિભાગ પણ સમગ્ર ઘટનાક્રમને લઈને હરકતમાં આવ્યું હતું. અંતે તે સમયના ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી બીનાબેન દવે પણ દોડી આવ્યા હતા અને મોડી રાત્રે ૨૮, જાન્યુઆરી, ૨૦૧૯માં ૫ નંબરના કેન્દ્ર સંચાલક મનીષ બુચ સામે પરીક્ષામાં બેદરકારી દાખવા અને પેપરના બંચના સીલ ખુલેલા મળ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલો?.. તે જાણો.. આ ઘટનાક્રમ બાદ હાલ મનીષ બુચ કે, જે જામનગરની ભાગોળે આવેલી લાખાબાવળ પાસેની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર એટલે કે, મહત્વની પોસ્ટ ઉપર ફરજ બજાવતો હતો. તેવામાં પૂર્વ શાળાની વિદ્યાર્થિનીએ આઠ વર્ષથી અવારનવાર મનીષ બુચ દ્વારા શારીરિક શોષણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેની આપવીતી વર્ણવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકે ૧૦ એપ્રિલ, ૨૦૨૩માં સત્ય સાઈ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ પોતાના જ આચાર્ય મનીષ બુચ સામે પોતા પર અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે આપવીતી વર્ણવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાતા જ મનીષ બુચ કે જેના પર સંગીન આરોપ લાગ્યો હતો, તે જામનગર છોડી પલાયન થઈ ગયો હતો. મનીષ બુચની વડોદરાથી પીસીબી દ્વારા ૧૮ એપ્રિલના અટકાયત કરવામાં આવી હતી.
બાદમાં જામનગરમાં લાવવા ૧૯ એપ્રિલે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ વાઘેલા સવારે પહોંચી ગયા હતા અને સાંજે જામનગરમાં લાવી સ્પેશિયલ પોકસ્કો કોર્ટમાં રજૂ કર્યો હતો. જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાતા જજ દ્વારા આગામી તારીખ ૨૪, એપ્રિલ ૨૦૨૩ સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વની વાત એ છે કે, આઠ વર્ષ દરમિયાન અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મનીષ બુચ ફરજ બજાવી ચૂક્યો છે અને હાલ પણ તેના ઉપર જે સંગીન આરોપ લાગ્યો છે. જેને લઈને શિક્ષણ જગત અને વિદ્યાર્થી જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ, સંગીતના શોખીન અને સંગીન ગુનામાં જેને પોલીસે ઝડપી પાડ્યો છે તેવા લંપટ આચાર્ય મનીષ બુચે અન્ય કેટલા સાથે આ પ્રકારના કૃત્યો કર્યા છે કે કેમ? તે પણ એક તપાસનો વિષય છે. બહુ ચર્ચાસ્પદ વિદ્યાર્થીની દુષ્કર્મકાંડમાં અંતે વડોદરાથી ઝડપાયેલા લંપટ આચાર્ય મનીષ બુચને છ દિવસના રિમાન્ડ પર સોંપાતા પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ચોકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી શકે છે. ત્યારે આ ઘટનાને લઈને જામનગર અને સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જાગી છે.
Recent Comments