જામનગરમાં હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ મતદાન રદ્દ, ૪૦૦ બેલેટ જપ્ત કરાયા
ગુજરાતમાં મહાનગર પાલિકા, પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતો માટે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જામનગર મહાનગર પાલિકા માટે હોમગાર્ડ જવાનોના પોસ્ટલ બેલેટ મતદાનમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આરોપો બાદ મતદાન રદ્દ કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર મ્યુન્સિપલ કોર્પોરેશન માટે આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાનમાં ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે બુધવારે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમના માટે શહેરની એમપી શાહ કોલેજ ઓફ કોમર્સમાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય હોમગાર્ડના જવાનો માટે લાલ બંગલામાં મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.
લાલ બંગલા પર સવારે ૧૦ઃ૩૦ના બદલે ૧૧ઃ૩૦ કલાકે મતદાન અધિકારીઓ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ, આપ સહિત અન્ય અપક્ષ ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને હોમગાર્ડના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. આટલું જ નહીં, તેમણે મતદાન રદ્દ કરવાની માંગ પણ કરી હતી.
Recent Comments