જાે બાઈડેને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,”અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટ્વીટ કરીને કહ્યું કે- મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના, અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે છીએ.અત્રે જણાવવાનું કે આ ઐતિહાસિક મહત્વ ધરાવતા પૂલનું હાલમાં જ સમારકામ કરાયું હતું અને ત્યારબાદ બેસતા વર્ષના દિવસે તેને ખુલ્લો મૂકાયો હતો. જાે કે રવિવારે સાંજે પૂલ પર કેપેસિટી કરતા વધુ સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પૂલ તૂટી પડ્યો અને આ અકસ્માતમાં ૧૩૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, ‘આજે અમારું દિલ ભારતની સાથે છે. ઝિલ અને હું ગુજરાતના લોકોના શોકમાં તેમની સાથે છીએ અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમણે પૂલ તૂટવાના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા. તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત અપરિહાર્ય ભાગીદાર છે.
અમારા નાગરિકો વચ્ચે ઊંડો સંબંધ છે. આ કપરી પરિસ્થિતિમાં અમે ભારતીયોની પડખે રહીશું અને તેમનું સમર્થન કરવાનું ચાલું રાખીશું. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક મૃતકના પરિજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ)માંથી ૨-૨ લાખ રૂપિયા અને પ્રત્યેક ઘાયલને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મોરબી દુર્ઘટનાના એક દિવસ બાદ પૂલનું સમારકામ કરનારી કંપની ઓરેવાના ૨ અધિકારીઓ સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડની પુષ્ટિ રાજકોટ રેન્જના આઈજી અશોક યાદવે કરી છે. આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં ૧૩૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
Recent Comments